પૂર્વ ફ્રાન્સમાં સ્વિટ્ઝરલેન્ડ સરહદ નજીક શુક્રવારે સવારે એક દર્દનાક બસ અકસ્માત સર્જાયો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માર્ગ અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને મોટા પાયે નુકસાન થયું છે.
શાળાના બાળકોને લઈ જઈ રહી હતી બસ
શિક્ષણ મંત્રી એડ્યુઆર્ડ ગેફ્રે (Edouard Geffray) જણાવ્યા મુજબ, પ્રાથમિક માહિતી અનુસાર આ બસ શાળાના વિદ્યાર્થીઓને લઈ જઈ રહી હતી. જે નાનકડા શહેરમાં આ ઘટના બની તે લેન્ટ (Lent) ના મેયર આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી બસ એક સ્કૂલ બસ જ હતી. જોકે, સ્થાનિક પ્રીફેક્ચરે (સ્થાનિક પ્રશાસન) ઉમેર્યું હતું કે આ એક ઇન્ટરસિટી બસ અને અન્ય વાહન વચ્ચેની ટક્કર હતી.
૭૦ લોકો અસરગ્રસ્ત, સ્થાનિક હોલ સહાય કેન્દ્રમાં ફેરવાયો
લેન્ટના મેયર યવેસ ક્રિસ્ટિન (Yves Cristin) માહિતી આપતા કહ્યું કે આ અકસ્માતમાં લગભગ ૭૦ લોકો સવાર હતા અથવા તેનાથી સધી અસરગ્રસ્ત થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઈજાગ્રસ્તો અને પીડિતોને તાત્કાલિક સંભાળ તથા આશરો આપવા માટે સ્થાનિક કોમ્યુનિટી હોલના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
બે લોકોના મોતની આશંકા, પ્રશાસન તપાસમાં જ્યુટાયું
બીએફએમ ટીવી (BFM TV) દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં એક વાદળી અને સફેદ રંગની બસ રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં નમેલી હાલતમાં જોવા મળી રહી છે, જ્યારે ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું.
મીડિયા અહેવાલોમાં બે લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સિવિલ પ્રોટેક્શન એજન્સી અને સ્થાનિક પ્રીફેક્ચરે રોઇટર્સને જણાવ્યું હતું કે તેઓ હાલ પૂરતું કોઈના મોતના સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી શકતા નથી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.