BREAKING NEWS

વાડીએ બથ ભરી મને ગાડીમાં નાખી દીધો, નાગદાન ચાવડાએ મારું અપહરણ કરાવ્યુંઃ રાલો સંઘ ચૂંટણીના મતદાર લખમણભાઈનો ચોંકાવનારો આક્ષેપ

  • September 10, 2026 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી વિવાદિત બની છે. માધાપર જૂથની બેઠક પર ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા ક્ષત્રિય સમાજના પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજા સામે વિજય સખીયાની જીત થતા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ સખીયા ભાજપના કાર્યકર્તા નથી તેવું નિવેદન આપ્યું હતું. જેની સામે વિજય સખિયાએ આજે મીડિયા સમક્ષ આવી પોતે ભાજપના કાર્યકર્તા હોવાનો પુરાવો આપ્યો હતો અને ભાજપે આપેલું વ્હીપ જાહેર કર્યું હતું અને ઢોલરિયા સામે પૂરાવા વિના આર્થિક વ્યવહારો કરતા હોવાના આક્ષેપો કર્યા હતા તો મતદાર લખમણભાઈ વિરાણીએ પોતાનું અપહરણ થયાનો ખુલાસો કર્યો હતો. લખમણભાઈએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા અને ચેતન પાણના કહેવાથી મારું અપહરણ કરવામાં આવ્યું હતુ. 


લખમણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સહી કરવાની છે તેમ કહી વાડીમાંથી મને પકડીને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો હતો. જે બાદ મને દ્વારકા લઈ જવામાં આવ્યો. જ્યાંથી મેં મારા સરપંચને ફોન કર્યો કે હું દ્વારકા છું મને તેડી જાઓ. જોકે પૈસાની કોઈ લાલચ આપવામાં આવી ન્હોતી.


માધાપર જૂથમાં ચૂંટણી જીતતા વિજય સખીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીમાં મને પાર્ટીએ એવું કહ્યું હતું કે પહેલા ફોર્મ ભરી દો, બધા પાર્ટીના જ છે. પછી પાછું ફોર્મ ખેંચવાના ટાઈમે ટિકિટ બીજાને આપી એટલે મેં ફોર્મ રાખ્યું. આ ઉપરાંત ભાજપે મને વ્હીપ આપી. હું ભાજપમાં ન હોઉં તો મને વ્હીપ કેમ આપી? વર્ષ 2016માં હું નાગદાનભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ હતા અને ત્યારે હું રાજકોટના પડધરી તાલુકાનો પ્રભારી હતો અને એ એમ કહે કે હું ભાજપમાં નથી.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાગદાનભાઈ ચાવડા એવું સમજે છે કે ભાજપમાંથી અમે જે નક્કી કરેલા નામ હતા. એના સિવાયના ઉમેદવાર હોય એને નહીં બોલાવાના. તેમણે અલ્પેશભાઈ સામે આક્ષેપો કરતા જણાવ્યું કે, હું પ્રદેશ ભાજપને કહેવા માંગુ છું કે, જિલ્લા પંચાયતના કોઈ પણ સભ્યોને પૂછી લો કે અલ્પેશભાઈને કે કોની સાથે આર્થિક વ્યવહારો કરેલા છે? તેમણે કહ્યું કે, હું વર્ષ 2016થી ભાજપનો સક્રિય કાર્યકર્તા છું. પડધરી તાલુકા ભાજપનો પ્રભારી રહી ચૂક્યો છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application