ભારતીય સેનાના જવાનોના પેન્શન અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વોર ઇન્જરી એલિમેન્ટ એટલે કે યુદ્ધ દરમિયાન થયેલી ઈજા બદલ મળતા વધારાના પેન્શનનો લાભ મેળવવા માટે જવાનને દુશ્મનની ગોળીથી જ ઘાયલ થવું જરૂરી નથી. જો કોઈ જવાન દુશ્મન અથવા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન પોતાની જ બંદૂકમાંથી અકસ્માતે ગોળી છૂટવાથી અથવા પોતાની જ ટુકડીની ગોળીબારમાં ઘાયલ થાય તો પણ તે આ પેન્શન મેળવવા માટે હકદાર છે.
જસ્ટિસ સતીશ ચંદ્ર શમર્િ અને જસ્ટિસ એન.કે. સિંહની બેન્ચે આ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે સેનાના નિયમોમાં આવી પરિસ્થિતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં અકસ્માતે ગોળી વાગવી અથવા સ્પ્લિન્ટર એટલે કે વિસ્ફોટના ટુકડાથી ઈજા થવી તેમજ પોતાની જ સેનાની ગોળીબારમાં ઘાયલ થવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. જોકે, આવી ઈજા દુશ્મન અથવા આતંકવાદીઓ સામેના ઓપરેશન દરમિયાન થઈ હોવી જરૂરી છે.
કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે સર્વિસ હથિયારમાંથી અકસ્માતે ગોળી છૂટી શકે છે. જવાનના હાથમાં હથિયાર હોય ત્યારે પડી જવાથી, કોઈ આઘાત લાગવાથી, ટ્રિગર ફસાઈ જવાથી, અજાણતાં ટ્રિગર દબાઈ જવાથી અથવા હથિયારમાં યાંત્રિક ખામી સર્જાવાથી આવી ઘટના બની શકે છે. આવી ઘટનાઓને જાણીજોઈને પોતાને ઈજા પહોંચાડવા સમાન ગણી શકાય નહીં.
કોર્ટે જણાવ્યું કે જાણીજોઈને અથવા પોતાની જાણકારીમાં પોતાને ઈજા પહોંચાડવામાં આવે તો પેન્શનના વધારાના લાભ માટે અયોગ્યતા ઊભી થઈ શકે છે. પરંતુ અકસ્માતે થયેલી ઈજાને આ શ્રેણીમાં મૂકી શકાય નહીં.
આ કેસ જમ્મુ-કાશ્મીરમાં ઓગસ્ટ 2002 દરમિયાન ઓપરેશન રક્ષક/ઓપરેશન પરાક્રમમાં ઘાયલ થયેલા સુબેદાર મેજર અને માનદ લેફ્ટનન્ટ દેવી સિંહ સાથે જોડાયેલો હતો. ઓપરેશન દરમિયાન તેમની પોતાની બંદૂકમાંથી અકસ્માતે ગોળી છૂટી હતી, જે તેમની જાંઘમાંથી પસાર થઈને ફીમોરલ નસને નુકસાન પહોંચાડ્યું હતું.
આ ઘટનામાં તેઓ 40 ટકા દિવ્યાંગ બન્યા હતા. તેમને સામાન્ય દિવ્યાંગતા પેન્શનનો લાભ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે વોર ઇન્જરી એલિમેન્ટ હેઠળ વધારાના પેન્શનની માંગ કરી હતી. આ માંગને આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલે ફગાવી દીધી હતી.