સુરતના વરાછા વિસ્તારમાં આવેલી અશ્વિનિકુમાર રોડ પરની રૂપમ સોસાયટીમાંથી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરબજારમાં થયેલા ભારે આર્થિક નુકસાન અને દેવાના ટેન્શનમાં આવીને ૩૬ વર્ષીય પુત્રએ પોતાની ૬૩ વર્ષીય વૃદ્ધ માતાને ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તાર સહિત સોનાણી પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે.
સવારે દરવાજો ન ખુલતાં ઘટના પ્રકાશમાં આવી
મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધરના વતની અને હાલ વરાછાની રૂપમ સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય ભાનુબેન સોનાણી અને તેમનો ૩૬ વર્ષીય પુત્ર જતીન સોનાણી સાથે રહેતા હતા. ઘરનો દરવાજો ન ખુલતાં આસપાસના પડોશીઓ અને સંબંધીઓને શંકા ગઈ હતી. તેમણે અનેકવાર દરવાજો ખખડાવ્યો હોવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં આખરે વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે સામે આવેલું દ્રશ્ય જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.
ફોરેન્સિક પીએમમાં હત્યા અને આપઘાતનો ખુલાસો
ઘરના બેડરૂમમાં જતીન લોખંડના હૂક સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો, જ્યારે માતા ભાનુબેન સેટી ઉપર મૃત હાલતમાં પડ્યા હતા. તેમની નજીકથી વાયર અથવા પ્લાસ્ટિકની દોરી જેવું મટીરિયલ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક બંનેના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ભાનુબેનનું મૃત્યુ ગળા પર દોરી કે વાયરથી ટૂંપો આપવાને કારણે થયું હતું, જે સ્પષ્ટપણે હત્યા દર્શાવે છે. જ્યારે જતીનનું મૃત્યુ જાતે ફાંસો ખાવાથી થયું હોવાનું બહાર આવ્યું હતું.
શેરબજારનું લાખોનું દેવું બન્યું કારણ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ જતીન શેરબજારના ધંધા સાથે જોડાયેલો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં તેને લાખો રૂપિયાનું મોટું નુકસાન જતાં મોટું દેવું થઈ ગયું હતું. દેવાની ભરપાઈ ન થઈ શકતાં અને આર્થિક સંકટ ઘેરું બનતાં તે સતત ભારે માનસિક તણાવમાં રહેતો હતો. આ જ ટેન્શનના કારણે તેણે મોડી રાત્રે માતાની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવી લેવાનો ખૌફનાક રસ્તો પસંદ કર્યો હતો.
દત્તક લીધેલા પુત્રના પગલાંથી પરિવારમાં માતમ
આ કરુણ ઘટના પાછળ એક ભાવુક વિગત પણ સામે આવી છે. ભાનુબેન અને તેમના પતિ જગદીશભાઈના લગ્ન ઘણા સમય પહેલા થયા હતા પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી જતીન જ્યારે માત્ર છ મહિનાનો હતો ત્યારે તેને દત્તક લીધો હતો. જગદીશભાઈના અવસાન બાદ ભાનુબેન અને જતીન બંને ઘરમાં એકલા જ રહેતા હતા. માતાએ જેને પુત્ર માનીને મોટો કર્યો હતો, તે જ પુત્રએ આર્થિક સંકટમાં આવીને માતાનો ભોગ લીધો અને પોતે પણ આપઘાત કરી લેતાં સોનાણી પરિવારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.