BREAKING NEWS

દેશભરના ટોચના 83 સનદી અધિકારીઓ માટે સ્પીપામાં સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ

  • November 18, 2025 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્તમાન સમયના પડકારોનો સામનો કરવા માટે નવીન રીતે ડિઝાઇન કરવામાં આવેલ સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ માટે સરકારે દેશભરના ૮૩ અધિકારીઓની પસંદગી કરી છે અને તેમને અમદાવાદ ખાતે આવેલ સ્પીપામાં તાલીમ આપવામાં આવી રહી છે.

અમદાવાદ ખાતેની સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થામાં શરૂ થયેલ આ ફાઉન્ડેશન કોર્સ આગામી તારીખ 16 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ ફાઉન્ડેશન કોર્ટમાં અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય લોક સેવાની વિવિધ કેડરના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

10 અઠવાડિયા સુધીના આ ફાઉન્ડેશન કોર્સમાં તાલીમાર્થી અધિકારીઓને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, કાયદો, બેઝિક ઇકોનોમિક્સ ફોર એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ એન્ડ બિહેવીયર સાયન્સ, ભારતનું સંવિધાન, ભારતનો ઇતિહાસ અને વારસો જેવા વિષયો પર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ માટે દેશભરના તજજ્ઞોની સેવા પણ લેવામાં આવશે. આવા અધિકારી તાલીમાર્થીઓને હિમાલય ટ્રેકિંગ, વિલેજ વિઝીટ, ગુજરાતના વિવિધ જુદા જુદા પ્રોજેક્ટની મુલાકાત પણ કરાવવામાં આવશે. સામાન્ય રીતે બહારથી આવતા લોકોને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોની મુલાકાત કરાવવામાં આવતી હોય છે. આ તાલીમાર્થી અધિકારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોની તો મુલાકાત કરાવવામાં આવશે પરંતુ સરકારે ગુજરાતની વિશિષ્ટ પ્રશાસકીય અને સામાજિક સંસ્કૃતિને પણ સમજવાનો પ્રયત્ન કરવા અનુરોધ કર્યો છે.

સ્પેશ્યલ ફાઉન્ડેશન કોર્સના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા, લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડેમીના જોઈન્ટ ડાયરેક્ટર ઉદીત અગ્રવાલ, સ્પીપાના મહાનિર્દેશક હારિત શુક્લા, ડાયરેક્ટર વિજય ખરાડી, સ્પીપાના નાયબ મહાનિર્દેશક ચંદ્રેશ કોટક સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ટોચના આ અધિકારીઓએ તાલીમાર્થી અધિકારીઓને પોતાની જ્ઞાન અને કુશળતાના દિશા સૂચક ગણાવી જણાવ્યું હતું કે અધિકારીના જીવનમાં સૌથી મહત્વની બાબત શિસ્ત છે. તાલીમ દરમિયાન અન્ય સર્વિસના અધિકારીઓ સાથે મળવાની અને વિચાર વિનિમય કરવાની આવી તક ભવિષ્યમાં ક્યારેય નહીં મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application