BREAKING NEWS

ગોંડલનો આઇકોનિક લોકમેળો બન્યો રક્તરંજીત, રાત્રે સ્ટોલ સંચાલક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, અફરાતફરી મચી ગઈ

  • September 10, 2026 09:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના પ્રખ્યાત આઈકોનિક લોકમેળામાં ગત રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે એક ગંભીર અને હચમચાવી દેતી હત્યાની ઘટના બની હતી. આ મેળામાં ફરિયાદી સુજલ ઉર્ફે સની શ્રીરામ શર્મા (ઉ.વ. ૨૬, રહે. સુલેમસરાઈ, તા.જી. પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ), મરણ જનાર રમાશંકર ઉર્ફે દીપક બરમન અને ઈજા પામનાર વિશાલ નરેન્દ્ર શર્મા ફોટો ફ્રેમનો સ્ટોલ રાખીને વેપાર કરતા હતા. મેળાની ભીડભાડ વચ્ચે આ સ્ટોલ પર ફ્રેમના ભાવતાલ બાબતે આરોપીઓ સાથે બોલાચાલી અને વિવાદ થયો હતો, જેણે થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ભાવતાલના આ સામાન્ય વિવાદે ખૂની રૂપ ધારણ કરતા આરોપી રાહુલ રાજુ ડોડીયાએ આવેશમાં આવીને છરી વડે મરણ જનાર રમાશંકર ઉર્ફે દીપક બરમનના છાતીના ભાગે જીવલેણ ઘા ઝીંક્યો હતો. આ હુમલામાં રમાશંકરને છાતીની જમણી બાજુ છરીનો ગંભીર ઘા વાગ્યો હતો. આ ઉપરાંત, બચાવ કરવા ગયેલા ઈજા પામનાર વિશાલ નરેન્દ્ર શર્માના જમણી બાજુના પડખામાં પણ છરીનો એક ઘા વાગ્યો હતો, જેને હાલ રાજકોટ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. લોહીલુહાણ હાલતમાં રમાશંકરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ ગંભીર બનાવ બન્યા બાદ લોકમેળામાં સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટના સમયે મેળાના પરિસરમાં તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ કે કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. પરિણામે, ઇજાગ્રસ્ત યુવકને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી હતી. આ કપરા સમયે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના જયભાઈ માધડ માનવતા દાખવીને પોતાના એક્ટિવા વાહન મારફતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવામાં મદદરૂપ બન્યા હતા. મોટી સંખ્યામાં માનવમેદની ઉમટતી હોય તેવા મોટા મેળાઓમાં એમ્બ્યુલન્સ જેવી આવશ્યક સેવાઓ ગેરહાજર રહેવાને કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બનાવની જાણ થતાં જ ગોંડલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસની સમયસૂચકતા અને સક્રિયતાના કારણે આ કેસમાં સંડોવાયેલા કુલ પાંચ આરોપીઓને હાલ ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે અન્ય સંડોવાયેલાઓની તપાસ ચાલુ છે. પકડાયેલા તમામ આરોપીઓમાં (૧) રાહુલ રાજૂ ડોડીયા, (૨) સમીર અકબર સુમરા, (૩) અલ્ફાજ રફીક શેખ, (૪) નવાજ ઈરફાન દોઢીયા અને (૫) અસફાખ મજીદ જુનેજાનો સમાવેશ થાય છે, જેઓ તમામ ગોંડલના વોરા કોટડા રોડ વિસ્તારના રહેવાસી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application