'બંટવારા 1947'ની રિલીઝ વચ્ચે સન્ની દેઓલની વધુ એક ફિલ્મને લઈને અપડેટ સામે આવી રહ્યું છે કે તેમની ફિલ્મ 'પરશુરામ'ને અચોક્કસ મુદત માટે પોસ્ટપોન (પાછી ઠેલવામાં) કરી દેવામાં આવી છે. સન્ની દેઓલ તેમની આગામી ફિલ્મ 'બંટવારા 1947'ની રિલીઝને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેમની બીજી એક ફિલ્મને લઈને અપડેટ આવી રહ્યું છે કે તેને પાછી ઠેલવવામાં આવી છે. આ ફિલ્મનું ટાઈટલ 'પરશુરામ' છે, જે તેઓ 'કિલ'ના ડાયરેક્ટર નિખિલ નાગેશ ભટ્ટ સાથે કરી રહ્યા છે. મધુ મંટેના અને મૈત્રી મૂવી મેકર્સ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલી આ ફિલ્મને લઈને એવી ચર્ચા હતી કે તેનું શૂટિંગ ઓક્ટોબર 2026થી શરૂ થવાનું હતું, પરંતુ હવે માહિતી મળી રહી છે કે તેને પાછી ઠેલવવામાં આવી છે.રિપોર્ટ અનુસાર, નિખિલ નાગેશ ભટ્ટ હાલમાં એક હોલીવુડ ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જેના કારણે તેમની ફિલ્મ 'પરશુરામ'ને હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમેકરે એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝની એક્શન થ્રિલર ફિલ્મ 'ડેડલોક્ડ'ના નિર્દેશનની જવાબદારી લીધી છે. આ ફિલ્મમાં એકેડેમી એવોર્ડ (ઓસ્કાર) વિજેતા જેમી ફોક્સ લીડ રોલમાં હશે. માહિતી મુજબ, ડાયરેક્ટર આ પ્રોજેક્ટ માટે છેલ્લા બે વર્ષથી વાતચીત કરી રહ્યા હતા અને હવે આ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે, જે તેમના કરિયરનો મહત્વનો તબક્કો છે. એટલું જ નહીં, રિપોર્ટ અનુસાર નિખિલ નાગેશ ભટ્ટે પોતાના હોલીવુડ ડેબ્યૂની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 'ડેડલોક્ડ' પૂરી થાય તે પહેલાં અન્ય કોઈ પ્રોજેક્ટ માટે હા પાડવી તેમના માટે મુશ્કેલ છે અને આ કારણે 'પરશુરામ'ને 2027 સુધી ટાળી દેવામાં આવી છે. જોકે, પ્રોડ્યુસર્સ વિચારણા કરી રહ્યા છે કે ભટ્ટ ફ્રી થાય ત્યાં સુધી રાહ જોવી કે પછી કોઈ નવા ડાયરેક્ટરની શોધ કરવી. બીજી તરફ, 'મૈત્રી મૂવી મેકર્સ' પણ 'જાટ 2'ને આગળ વધારવાની શક્યતાઓ ચકાસી રહ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. સન્ની દેઓલ આ દિવસોમાં ફિલ્મ 'બંટવારા 1947'ની રિલીઝને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું છે. અગાઉ આ ફિલ્મનું નામ 'લાહોર 1947' હતું, જેને પાછળથી બદલીને 'બંટવારા 1947' કરવામાં આવ્યું હતું. આ સિવાય સન્ની દેઓલ નિતેશ તિવારીની મોટી બજેટની ફિલ્મ 'રામાયણ'માં હનુમાનની ભૂમિકામાં પણ જોવા મળશે, જે 6 નવેમ્બરે રિલીઝ થવાની છે.આ ઉપરાંત, સન્ની દેઓલ હાઈ એક્શન થ્રિલર ફિલ્મ 'એન્ટની'માં પણ જોવા મળશે, જેમાં જ્યોતિકા તેમની કો-એક્ટ્રેસ તરીકે નજર આવશે.