સાયબર અપરાધોની તપાસ દરમિયાન બેંક ખાતા ફ્રીઝ અને ડી-ફ્રીઝ કરવાની પ્રક્રિયાને નિયમબદ્ધ કરવા માટે એકસમાન રાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) ઘડવાની માંગ કરતી મહત્વપૂર્ણ અરજી હવે મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સુર્ય કાંત સમક્ષ મૂકવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ મામલે રજિસ્ટ્રીને નિર્દેશ આપ્યો છે કે તે સીજેઆઈ પાસેથી યોગ્ય સૂચનાઓ મેળવીને અરજીને યોગ્ય બેન્ચ સમક્ષ યાદીબદ્ધ કરે.
જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી વધારાના સોલિસિટર જનરલ અનિલ કૌશિકે કોર્ટને જાણ કરી હતી કે આ મુદ્દો પહેલેથી જ સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ ચાલી રહેલા સ્વતઃ સંજ્ઞાન મામલામાં વિચારાધીન છે, જેમાં ડિજિટલ અરેસ્ટ અને સાયબર તપાસ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓની સમીક્ષા થઈ રહી છે. આથી ખંડપીઠે મામલો સીજેઆઈ પાસે મોકલવાનો નિર્ણય લીધો.
અરજીમાં બે મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. પ્રથમ, કોઈપણ બેંક ખાતું ફ્રીઝ કરતા પહેલાં તપાસ એજન્સીએ લેખિત અને કારણસર આદેશ આપવો ફરજિયાત હોવો જોઈએ અને આ પગલાની જાણ 24 કલાકની અંદર ખાતાધારકને કરવામાં આવવી જોઈએ. બીજું, દરેક ફ્રીઝિંગ આદેશ તાત્કાલિક સ્થાનિક મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરવો જોઈએ, જે બીએનએસએસની કલમ 106(3) અને સીઆરપીસીની કલમ 102(3) હેઠળ કાયદાકીય આવશ્યકતા છે.
અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે તમિલનાડુ પોલીસની સાયબર સેલે તેમના બેંક ખાતા કોઈ પૂર્વ સૂચના, લેખિત આદેશ કે ન્યાયિક મંજૂરી વિના ફ્રીઝ કરી દીધા. તેમના અનુસાર આ કાર્યવાહી બંધારણના અનુચ્છેદ 19(1)(જી) (વ્યવસાય કરવાની સ્વતંત્રતા) અને અનુચ્છેદ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા)નું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
અરજીકર્તાએ કોર્ટને જણાવ્યું કે તેમના ખાતા ફ્રીઝ થવાને કારણે તેઓ સંપૂર્ણ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે. તેઓ દૈનિક ખર્ચ ચૂકવી શકતા નથી, કર ભરપાઈ કરી શકતા નથી, વ્યવસાયિક પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી શકતા નથી અને પરિવારની આવશ્યક જરૂરિયાતો પૂરી કરી શકતા નથી.
અરજીમાં દલીલ કરવામાં આવી છે કે કાયદા મુજબ કોઈપણ મિલકત અથવા ખાતું જપ્ત કે ફ્રીઝ કરવામાં આવે તો તેની જાણ તરત જ મેજિસ્ટ્રેટને જાણ કરવી ફરજિયાત છે, પરંતુ આ કેસમાં એવું થયું નથી. તેથી આ કાર્યવાહી અધિકારક્ષેત્ર વિના, મનમાની અને અસંવૈધાનિક હોવાનું અરજદારનું કહેવું છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ 6 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારને અરજીની નકલ આપવા નિર્દેશ આપ્યો હતો અને મામલો આગામી અઠવાડિયે સુનાવણી માટે યાદીબદ્ધ કર્યો હતો. હવે સીજેઆઈની સૂચના બાદ આ અરજી યોગ્ય સંવિધાન બેન્ચ સમક્ષ આગળ વધશે, જે સમગ્ર દેશમાં સાયબર તપાસ દરમિયાન બેંક ખાતા ફ્રીઝ કરવાની પ્રક્રિયા માટે માર્ગદર્શક નિયમો નક્કી કરી શકે છે.