ગુજરાતમાં હાલ સાર્વત્રિક અને ભારે વરસાદની સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવા માહોલને કારણે વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા દૂર-સુદૂરથી આવતા ઉમેદવારોની સુરક્ષા અને પ્રવાસમાં પડતી મુશ્કેલીઓને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકાર અને સંબંધિત બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં યોજાનારી TAT અને GPSCની વિવિધ વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરાયેલા સમયપત્રક મુજબ TAT (ઉચ્ચતર માધ્યમિક)-2026ની મુખ્ય પરીક્ષા આગામી 2 ઓગસ્ટના રોજ યોજાનાર હતી. પરંતુ હવામાન વિભાગની આગાહી અને વરસાદી માહોલને જોતાં આ પરીક્ષા હવે 8 ઓગસ્ટ, 2026ના રોજ આયોજિત કરવામાં આવશે. બોર્ડ દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરીક્ષાર્થીઓએ નવી હોલટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે નહીં, અગાઉથી જારી કરવામાં આવેલી જૂની હોલટિકિટ જ આ પરીક્ષા માટે પૂર્ણપણે માન્ય ગણાશે.
બીજી તરફ, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા પણ ૧ ઓગસ્ટના રોજ લેવાનારી તમામ વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ રાખવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા આ તમામ પરીક્ષાઓ માટે નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે, જે મુજબ હવે આ પરીક્ષાઓ 9 ઓગસ્ટના રોજ યોજાશે.
આ નિર્ણયથી હજારો ઉમેદવારોને મોટી રાહત મળી છે, કારણ કે ખરાબ હવામાનના કારણે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં ભારે અગવડતા ઊભી થાય તેમ હતી. તંત્ર દ્વારા ઉમેદવારોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ નવી તારીખો મુજબ પોતાની તૈયારીઓ સુનિશ્ચિત કરે અને પરીક્ષા સંબંધિત કોઈપણ તાજી માહિતી માટે અધિકૃત વેબસાઈટનો જ સંપર્ક કરે.