તમિલનાડુમાં નવજાત બાળકોના જન્મને યાદગાર બનાવવા માટે એક ખાસ યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્વાતંત્ર્ય દિવસના અવસરે તમિલનાડુના મુખ્યમંત્રી થલપતિ વિજયે જાહેરાત કરી હતી કે 15 સપ્ટેમ્બરથી રાજ્યમાં જન્મ લેનારા નવજાત બાળકોને સોનાની વીંટી ભેટ આપવામાં આવશે. આ યોજના પાછળ સરકાર આશરે રૂ. 755.83 કરોડનો ખર્ચ કરશે.
સરકારના જણાવ્યા અનુસાર, આ પહેલનો હેતુ જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા ઉપરાંત નવજાત બાળકના જન્મને ખાસ રીતે યાદગાર બનાવવાનો છે. યોજના હેઠળ પાત્ર પરિવારોને નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ સોનાની વીંટી આપવામાં આવશે. જાહેરાત બાદ રાજ્યમાં આ યોજનાને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
તમિલનાડુની પરંપરામાં બાળકના જન્મ સમયે તેનો મામા બાળકને સોનાની ભેટ આપતો હોવાની માન્યતા છે. આ જ પરંપરાને ધ્યાનમાં રાખીને થલપતિ વિજયની સરકાર દરેક બાળકના ‘મામા’ની ભૂમિકા ભજવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર આ સંબંધને નિભાવતા નવજાત બાળકોનું સ્વાગત સોનાની વીંટી સાથે કરશે. સરકારનું માનવું છે કે આ યોજના દ્વારા સરકારી હોસ્પિટલોમાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થશે અને જરૂરિયાતમંદ પરિવારોને પણ મદદ મળશે.
આંકડા મુજબ, તમિલનાડુની સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિનો સરેરાશ ખર્ચ આશરે રૂ. 1,364 હોવાનું જણાવવામાં આવે છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં આ ખર્ચ રૂ. 63,000થી વધુ હોઈ શકે છે. આવી સ્થિતિમાં સરકારની આ પહેલ ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારો માટે મદદરૂપ બની શકે છે.
સ્વાતંત્ર્ય દિવસના પોતાના પ્રથમ સંબોધનમાં મુખ્યમંત્રી વિજયે સરકારની નીતિઓ અને વહીવટી મુદ્દાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમની સરકાર વહીવટી બાબતોમાં કેન્દ્ર સરકાર સાથે સહયોગ કરશે, પરંતુ રાજ્યના અધિકારો વિરુદ્ધ હોય તેવી નીતિઓનો વિરોધ કરવામાં આવશે.
વિજયે તેમની સરકાર સામે કામ કરનારી શક્તિઓ અને સરકાર વિરુદ્ધ રચવામાં આવતી કથિત સાજિશોને નિષ્ફળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે ભ્રષ્ટાચાર સામેની લડાઈને પણ સ્વતંત્રતા સાથે જોડતા કહ્યું કે ભ્રષ્ટાચારને ખતમ કરવો પણ એક પ્રકારની આઝાદી છે.
મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે સરકારી આવક ખાનગી વ્યક્તિઓ સુધી પહોંચતી અટકાવવામાં આવી છે અને વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવજાત બાળકો માટેની સોનાની વીંટીની યોજના સાથે સરકાર હવે સામાજિક કલ્યાણ અને વહીવટી સુધારાના મુદ્દાઓને પણ આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે.