BREAKING NEWS

ઈડર પોલીસ સ્ટેશનમાં આરોપીએ લેંઘાના નાડાથી ગળાફાંસો ખાધો, ઘર કંકાસમાં પત્નીએ જ જેલમાં પુરાવ્યો હતો

  • October 13, 2026 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં જ એક આરોપીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના પાછળ ઘર કંકાસ અને પારિવારિક વિવાદ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ ૩૯ વર્ષીય અનિલ વાઘેલા તરીકે થઈ છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની પત્ની સાથે સાસરીમાં જ રહેતો હતો.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, ગઈકાલે રાત્રે અનિલ વાઘેલા અને તેની પત્ની વચ્ચે ભારે ઘરેલું ઝઘડો થયો હતો. આ ગૃહકલેશ વધતાં તેની પત્નીએ તાત્કાલિક ૧૧૨ની ટીમનો સંપર્ક કરીને મદદ માંગી હતી. પત્નીની ફરિયાદના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અનિલ સામે અટકાયતી પગલાં ભરીને તેને ઈડર પોલીસ સ્ટેશનના લોકઅપમાં લાવી હતી.

પોલીસ કસ્ટડી દરમિયાન વહેલી સવારે અનિલ વાઘેલાએ લોકઅપની અંદર જ પોતાના લેંઘાના નાડા વડે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો હતો. પત્ની દ્વારા પોલીસમાં ફરિયાદ કરવાના અને અટકાયત કરાવવાના પગલાથી તેને ભારે આઘાત લાગ્યો હતો અને મનમાં લાગી આવતા તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, મૃતક અનિલ વાઘેલા ભૂતકાળમાં ગુનાહિત ઈતિહાસ પણ ધરાવતો હોવાનું ખુલાસો થયો છે.

આ ઘટનાની જાણ થતાં જ ઈડર પોલીસ સ્ટેશનમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈડરના ડીવાયએસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. કસ્ટોડિયલ ડેથ (પોલીસ કસ્ટડીમાં મોત) નો મામલો હોવાથી ઈડર પોલીસે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application