દ્વારકાધીશના બાલસ્વરૂપ ગોપાલજીની પાલખી નગરચર્યાએ નીકળી
ભક્તોએ ભાવભેર કર્યા સ્વાગત: વિવિધ વિસ્તારોમાં પૂજા અર્ચના સાથે ઉતારાઇ આરતી
જિલણા એકાદશીના પાવન પર્વે દ્વારકામાં આસ્થાનું અલૌકિક દૃશ્ય જોવા મળ્યું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશના બાલસ્વરૂપ ગોપાલજીની પાલખી નગરચર્યા માટે જગતમંદિર બહાર નીકળી હતી. વાજતે-ગાજતે નીકળેલી આ પાલખી યાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તોએ ભાવભેર સ્વાગત કરી ભગવાનની પૂજા-અર્ચના અને આરતી ઉતારી હતી.
રાજાધિરાજ દ્વારકાધીશની પાલખી યાત્રા દ્વારકાના રાજમાર્ગો પરથી પસાર થઈ ત્યારે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભક્તોએ પોતાના ઘેર ભગવાન પધાર્યા હોય તેવી ભાવના સાથે પાલખીનું સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકાધીશ જગતમંદિરની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસ દ્વારા ભગવાનની પાલખીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
જિલણા એકાદશીની નગરચર્યા સાથે જોડાયેલી માન્યતા મુજબ ચોમાસા દરમિયાન નદી-નાળામાં આવેલા પાણી તથા કુદરતી પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા ભગવાન પોતાની પ્રજાના હાલચાલ જાણવા નગરમાં નીકળે છે. નગરચર્યા દરમિયાન પાલખી દ્વારકાના છેવાડે આવેલા પૌરાણિક કકલાસ કુંડ ખાતે પહોંચી હતી.
કકલાસ કુંડ ખાતે ભગવાન દ્વારકાધીશના બાલસ્વરૂપ ગોપાલજી સાથે બ્રાહ્મણો તથા ભાવિકોએ પવિત્ર સ્નાન કર્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભગવાનનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ પાલખી ફરી જગતમંદિર તરફ રવાના થઈ હતી અને ભગવાન દ્વારકાધીશ પોતાના રાજમહેલ સમા જગતમંદિરમાં પરત ફર્યા હતા. જિલણા એકાદશીના આ ધાર્મિક પર્વે દ્વારકાની ગલીઓમાં દ્વારકાધીશ ભગવાનની નગરચર્યાના દર્શનથી ભક્તિમય માહોલ છવાયો હતો.