BREAKING NEWS

શ્રૌફ એકાઉન્ટથી આચરેલા સાયબર ફ્રોડનો આંકડો ૯૦૦ કરોડે પહોંચ્યો

  • February 25, 2026 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલે 400 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી રાજકોટ ગોંડલ અને પડધરી સહિતના 10 મ્યુલ એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધી છ આરોપીની ધરપકડ કરી હતી. આ ચકચારી કૌભાંડમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછમાં 900 કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડના નાણાંના વ્યવહારો થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાજકોટ જિલ્લામાં શંકાસ્પદ ટ્રાન્જેક્શન ધરાવતા બેંક એકાઉન્ટ એકત્રિત કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જે. ગોધમ અને પીએસઆઇ એમ.એન. રાઠોડ, સી.બી. વાંક તથા ટીમે તપાસ હાથ ધરી પડધરીના મોવિયા યસ બેન્ક ખાતે ખુલેલ બેંક એકાઉન્ટ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે જ્યોતિ ટ્રેડિંગ કંપનીના ખાતામાં તપાસ કરતા આ એકાઉન્ટમાંથી 200 કરોડની લેવડદેવડ મળી હતી. બાદમાં પોલીસે તપાસ ચલાવી 400 કરોડના સાયબર ફ્રોડનો પદાર્ફાશ થયો હતો અને 10 આરોપીઓની સામે ગુનો નોંધી છ આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસે આમામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં તેલંગાણાના આ આલીલુદ્દીન મોહમ્મદ મુનિરુદ્દીન મોહમ્મદ, રાજકોટમાં કુવાડવા રોડ પર જય ગુરુદેવ પાર્ક એક શેરી નંબર 2 માં રહેતા મિહિર રામજીભાઈ રંગાણી અને રાજકોટમાં તિરૂપતિ પાર્ક-૨ નાના મવા હરિદ્વાર હાઇટ્સ વાળી શેરીમાં રહેતા હિરેન અશ્વિનભાઈ લીંબાસીયાનો સમાવેશ થાય છે.

અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, સાયબર ફ્રોડના આ પ્રકરણમાં અગાઉ અટક કરેલા આરોપીઓના બેન્ક એકાઉન્ટની તપાસમાં મનીષ કામાણી અને જય નાદપરા તથા મિહિર રંગાણી મળી આશરે 900 કરોડ રૂપિયાથી વધુની તેના એકાઉન્ટથી હેરફેર કર્યાનું માલુમ પડ્યું હતું કે જેથી આ અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપી મનીષ અને જયના બેન્ક એકાઉન્ટ મારફત લેવડ-દેવડ થઈ હોય તે તમામ રોકડા રૂપિયા ઉપાડી આંગડિયા મારફતે અગાઉ પકડાયેલ આરોપીઓ પ્રવીણસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ વાઘેલા મોટું કમિશન લઈ આરોપી આ આલીલુદીન મોહમ્મદ તેલંગાણાને મોકલાવ્યા હતા તેમજ ઓનલાઇન ટ્રાન્સફર કર્યાનું માલુમ પડ્યું હતું. આરોપી આલીલુદ્દીનને તા. 21-2- 2026 ના રોજ પોલીસે ઝડપી લીધો હતો. તેમજ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીઓ મનીષ કામાણી અને જય નાદપરાના બેન્ક એકાઉન્ટ મિહીર રંગાણીને સાયબર ફ્રોડના નાણાંને રોકડમાં રૂપાંતરિત કરી હેરફેર કરવા માટે આપેલ હોવાનું તપાસમાં ખુલતા તે એકાઉન્ટમાં નાણાંની લેવડ દેવડ હિરેન લીંબાસીયા મારફતે કરી હોય જેથી મિહિર રંગાણીને તારીખ 21- 1 ના રોજ ઝડપી લીધો હતો. તપાસમાં તેની પેઢીના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા હતા. તેમાં રૂપિયાની લેવડ-દેવડ કરી હતી અને આ લેવડદેવડમાં હિરેન અશ્વિન લીંબાસીયાની ભૂમિકા ખુલતા તેની પણ અટક કરી હતી. મિહિર તથા મનીષ રામાણી હસ્તકના બેન્ક એકાઉન્ટમાં થયેલ નાણાંની લેવડદેવડ હિરેન લીંબાસીયાની મધ્યસ્થી થકી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

આ ગુનામાં આરોપીઓએ અલગ અલગ સમય અને સ્થળે પૂર્વઆયોજિત કાવતરૂ રચી રાજ્યના અલગ અલગ વ્યક્તિઓને લાલચ આપી સાયબર ફ્રોડ દ્વારા છેતરપિંડી કે ઠગાઇ કરી નાણાં મેળવી ગુનો કર્યો હોય તપાસ દરમિયાન અત્યાર સુધીમાં પકડાયેલા આરોપીઓ દ્વારા આશરે 900 કરોડ રૂપિયાના વ્યવહારો થયાનું ખુલ્યું છે જે રોકડમાં રૂપાંતરિત કરી અલગ અલગ માધ્યમથી હેરફેર કર્યાનુ સામે આવ્યું છે.


આ ટીમે સાયબર ફ્રોડનો પદાર્ફાશ

આરોપીઓને ઝડપી લેવાની આ કામગીરીમાં એલ.સી.બી. પીઆઇ વી.વી. ઓડેદરા, સાયબર સેલના પીઆઇ આર.જે. ગોધમ, એસઓજી પીએસઆઇ જી.જે. ઝાલા, પીએસઆઇ એમ.એન. રાઠોડ, સી.બી.વાંક, એસઆઇ કુમારભાઈ ચૌહાણ, મીરાબેન સાવલિયા, મનવીરભાઈ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાંગર, વૈભવભાઈ ગોહેલ, દિવ્યાબેન રાઠોડ, કોન્સ્ટેબલ મેહુલભાઈ સોનરાજ, પૂજાબેન હેરભા, ગૌતમભાઈ પરમાર અને વનરાજભાઈ બાવળીયા સાથે રહ્યા હતા.

આ ૧૦ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો

સાયબર ફ્રોડના આ પ્રકરણમાં આરોપી તરીકે જય મનસુખભાઈ નાદપરા, ઋષિત તુલસીભાઈ રૈયાણી, મનીષ છગનભાઈ કમાણી, પ્રવીણસિંહ ભૂપતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજા, આદિલ ઉદ્દીન, લાલાભાઈ ઉર્ફે યાશિક ઝાલાવાડિયા, હર્ષિલ નિલેશભાઈ શાહ, મયૂરસિંહ મહિપતસિંહ વાઘેલા, અને ભરતસિંહ પરમાર સામે ગુનો નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application