BREAKING NEWS

જામનગરમાં બીએલઓ દ્વારા કરવામાં આવી રહેલ ફોર્મ વિતરણની કામગીરીને મળી રહ્યો છે હકારાત્મક પ્રતિસાદ

  • November 11, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ચુંટણી પંચ દ્વારા ગુજરાત સહીત અન્ય રાજ્યો માટે મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ સ્પેશ્યલ ઇન્સેટીવ રીવીઝન (એસઆઇઆર) અંતર્ગત તા.૪/૧૧/૨૦૨૫ થી તા. ૪/૧૨/૨૦૨૫ સુધી બી.એલ.ઓ. એ ઘરે-ઘરે ફરીને મતદારો પાસે ગણતરી ફોર્મ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ છે.


જામનગર જિલ્લામાં પણ બીએલઓ દ્વારા મતદારોના ઘરે જઈને આ કામગીરી કરવામાં આવી રહી છે અને ઝોનલ અધિકારીઓ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે. ઉપરાંત ઝોનલ અધિકારી તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીને હજુ સુધી આ કામગીરી અંતર્ગત કોઈ ફરિયાદો મળેલી નથી કે ધ્યાને આવી નથી.


ગણતરી ફોર્મ ભરવા અંગે બી.એલ.ઓ. દ્રારા કેવી રીતે ફોર્મ ભરવુ તે અંગે સમજ પુરી પાડવામાં આવે છે. ઉપરાંત ગણતરી ફોર્મની પાછળ રહેલ માહિતી પત્રક અંગે પણ સમજાવવામાં આવે છે. તેમ છતા કોઈને ફોર્મ ભરવામાં અગવડતા પડે તો ફોર્મ પરત લેવા આવીશું ત્યારે ફોર્મ ભરવામાં મદદ કરીશું તેમ પણ જણાવવામાં આવે છે. અત્યાર સુધી ૭૮-જામનગર (ઉતર) વિધાનસભા મતવિસ્તાર તથા ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કુલ મતદારો ૫૧૩૦૪૩ પૈકી બી.એલ.ઓ. દ્વારા ૨૩૩૪૪૭ મતદારોને ઘરે ઘરે જઈ ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે.


બાકીનાં ફોર્મનું વિતરણ પણ આગામી બે થી ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. એસઆઇઆરની કામગીરી બી.એલ.ઓ. દ્વારા તેઓની કચેરીની મુળ કામગીરી ઉપરાંત એસઆઇઆરની કામગીરીમાં પણ પુરતો સમય આપી કરવામાં આવે છે. તેમ છતાં કોઇને કોઈ ચોક્કસ બી.એલ.ઓ. બાબતે રજુઆત હોય તો તેઓને જરૂરી સુચના આપી કાર્યવાહી પણ કરવામાં આવશે.


અ ઉપરાંત જામનગરના જે તે વિસ્તારના મતદાન મથકોમાં સમાવિષ્ટ બી.એલ.એ.ને તા.૦૩/૧૧/૨૦૨૫ ના રોજ તાલીમ આપી એસઆઇઆરની કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા છે. જેમાં બી.એલ.એ. પણ દૈનિક ધોરણે મતદારો પાસેથી ભરાયેલા વધુમાં વધુ ૫૦ ફોર્મ મેળવી બી.એલ.ઓ.ને આપી શકશે. બી.એલ.ઓ.ને બી.એલ.એ.ની યાદી તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિને તા.૦૩/૧૧/૨૦૨૫ ના રોજ બી.એલ.ઓ.ની યાદી પણ આપવામાં આવી છે. જેથી મતદારયાદીની કામગીરી કરવામાં સરળતા રહે.
​​​​​​​

મતદારોના નામ ડીલીટ થવાની શક્યતા હોય તેવા કિસ્સાઓમાં મુસદ્દારૂપ મતદારયાદીની પ્રસિધ્ધિ બાદ હકક-દાવા અને વાંધા અરજીઓ અને ગણતરી ફોર્મ પર નિર્ણય બાબતે તા.૦૯/૧૨/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૬ સુધીનો સમય આપવામાં આવશે. જેથી મતદારયાદી માંથી મતદારોના નામ ડીલીટ થવાની શક્યતા રહેશે નહી. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application