આજે ભારતીય શેરબજારમાં શરૂઆતમાં જોવા મળેલી તેજી ટકી શકી નહોતી અને મુખ્ય ઇન્ડેક્સ ઘટાડા સાથે ટ્રેડ થયા હતા. બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રના શેરોમાં ભારે વેચવાલીને કારણે બજાર લાલ નિશાનમાં સરકી ગયું હતું. બપોરના કારોબાર દરમિયાન બીએસઈ સેન્સેક્સ ૧૪૨૫ પોઈન્ટ ઘટીને 73,257ના સ્તરે પહોંચ્યો હતો. દિવસ દરમિયાન એક સમયે સેન્સેક્સમાં 829.29 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ વેચવાલી વધતાં તેજી ગાયબ થઈ ગઈ હતી.
બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રના શેરોમાં થયેલી ભારે વેચવાલી રહ્યું હતું. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત મારુતિ સુઝુકી ઇન્ડિયા, ટ્રેન્ટ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરો પણ નુકસાનમાં રહ્યા હતા.
જોકે, આઈટી ક્ષેત્રના શેરોમાં ખરીદી જોવા મળી હતી. ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) અને ટેક મહિન્દ્રાના શેરો તેજી સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. એચસીએલ ટેક્નોલોજીસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને આઈટીસીના શેરોમાં પણ ઉછાળો નોંધાયો હતો.
એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કેઈ 225 ઊંચા સ્તરે બંધ થયા હતા, જ્યારે હેંગસેંગ અને શાંઘાઈ કમ્પોઝિટમાં નબળાઈ જોવા મળી હતી. મંગળવારે અમેરિકાના શેરબજારો તેજી સાથે બંધ થયા હતા. આ દરમિયાન વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ આશરે એક ટકા વધીને પ્રતિ બેરલ 109.71 ડોલર થયા હતા.
એક્સચેન્જના આંકડા મુજબ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ.1,148.64 કરોડના શેર વેચ્યા હતા. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.3,201.19 કરોડના શેર ખરીદ્યા હતા. અગાઉના સોમવારે સેન્સેક્સ 876.37 પોઈન્ટ ઘટીને 73,852.90 અને નિફ્ટી 257.20 પોઈન્ટ ઘટીને 22,888.95ના સ્તરે બંધ થયો હતો.