પોરબંદર સહિત સમગ્ર જિલ્લામાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે અને તેના કારણે માનવજાતને અને પશુઓને ખુબ ગંભીર નુકસાન થઈ રહ્યું છે,તેમ જણાવીને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી છે.
પોરબંદર સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, પોરબંદર સહિત સમગ્ર જિલ્લામાં પ્લાસ્ટિકનો વપરાશ ચિંતાજનક હદે વધી રહ્યો છે.રોજિંદા જીવનમાં વણાઈ ગયેલું આ પ્લાસ્ટિક હવે માત્ર પર્યાવરણ માટે જ નહી,પરંતુ માનવજાત અને અબોલ પશુઓ માટે પણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદરના ’હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા એક મહત્વપુર્ણ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પ્લાસ્ટિકનો મોહ ત્યજી દેવા અપીલ કરવામાં આવી છે.
ટ્રસ્ટ દ્વારા એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સા તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે જે આંખ ઉઘાડનારો છે.તાજેતરમાં માત્ર ત્રણ વર્ષના એક નંદીની તબિયત લથડતાં તેની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી દરમિયાન પશુ ચિકિત્સકોને તેના પેટમાંથી આશરે ૨૫ કિલો જેટલો જંગી જથ્થામાં પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો હતો. આ ઘટના સાબિત કરે છે કે,આપણી બેદરકારી કઈ હદે અબોલ જીવોનો ભોગ લઈ રહી છે.
આ અંગે વિગતવાર વાત કરતા સંસ્થાએ જણાવ્યું હતું કે, મોટાભાગે ગૃહિણીઓ અને લોકો વધેલું ભોજન, શાકભાજીનો કચરો કે એઠવાડ પ્લાસ્ટિકની થેલીમાં બાંધીને કચરાપેટીમાં કે રસ્તા પર ફેંકી દે છે.રખડતા ઢોર અને ગાયો ખોરાકની સુગંધ પારખીને તે પ્લાસ્ટિકની થેલી સહિતનો ખોરાક ગળી જાય છે.પ્લાસ્ટિક પચતું નથી, પરિણામે તે વર્ષો સુધી પશુઓના પેટમાં જમા થાય છે અને તેમને ભયંકર પીડા આપીને મોતને ઘાટ ઉતારે છે. વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,પ્લાસ્ટિક માત્ર પશુઓ માટે જ નહી, પરંતુ માનવ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ખતરનાક છે.પ્લાસ્ટિકના કચરાને બાળવાથી તેમાંથી ડાયોક્સિન જેવા ઝેરી વાયુઓ નીકળે છે જે કેન્સર અને શ્વાસના રોગોનું કારણ બને છે.
વળી, માઈક્રોપ્લાસ્ટિક કણો પાણી અને ખોરાક વાટે મનુષ્યના શરીરમાં પ્રવેશે છે,જે હોર્મોનલ અસંતુલન અને પાચનતંત્રના રોગો નોતરે છે.ધરતીમાં દટાયેલું પ્લાસ્ટિક જમીનની ફળદ્રુપતા પણ નાશ કરે છે.
આ ગંભીર સમસ્યાના નિવારણ માટે ’હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા પોરબંદરના તમામ નાગરિકોને મહત્વના સુચનો કરવામાં આવ્યા છે.જે મુજબ, બજારમાં શાકભાજી, કરિયાણું કે અન્ય વસ્તુઓ લેવા જતી વખતે ઘરેથી કાપડની થેલી સાથે લઈ જવાનો આગ્રહ રાખવો જોઈએ.વેપારીઓએ પણ ગ્રાહકોને પ્લાસ્ટિકની ઝબલા થેલી આપવાને બદલે પેપર બેગ અથવા ઇકો-ફ્રેન્ડલી બેગનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
વધુમાં, ટ્રસ્ટે લોકોને ખાસ અપીલ કરી છે કે ઘરનો ભીનો કચરો કે એઠવાડ ક્યારેય પ્લાસ્ટિકની કોથળીમાં બાંધીને ફેંકવો નહીં. તેને ખુલ્લો કરીને ગટર કે યોગ્ય ડસ્ટબિનમાં નાખવો જોઈએ અથવા ગાયોને સીધો ખવડાવવો જોઈએ, જેથી અજાણતા પણ કોઈ ગૌવંશ પ્લાસ્ટિક ખાવાનો શિકાર ન બને.સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો એ જ સાચી દેશભક્તિ અને જીવદયા છે.
સમાજમાં બદલાવ લાવવા માટે યુવાનો અને મહિલાઓની ભૂમિકા મહત્વની છે.ટ્રસ્ટ દ્વારા શાળા-કોલેજો અને મહિલા મંડળોને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ પ્લાસ્ટિક મુક્ત પોરબંદર બનાવવા માટે આગળ આવે. નાના-મોટા પ્રસંગોમાં પ્લાસ્ટિકની ડિશ, ગ્લાસ કે ચમચીનો ઉપયોગ ટાળીને સ્ટીલ કે બાયોડિગ્રેડેબલ વાસણોનો ઉપયોગ કરવો જોઈએ.
અંતમાં, ’હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ પોરબંદરવાસીઓને કરબદ્ધ પ્રાર્થના કરે છે કે, પર્યાવરણ અને અબોલ જીવોના રક્ષણ માટે આજથી જ પ્લાસ્ટિકનો ત્યાગ કરીએ. ૨૫ કિલો પ્લાસ્ટિક જે નંદીના પેટમાંથી નીકળ્યું તે આપણી સામાજિક જવાબદારી પર પ્રશ્ર્નચિહ્ન છે.ચાલો આપણે સૌ સાથે મળીને આવનારી પેઢી અને મૂંગા પશુઓ માટે સુરક્ષિત અને પ્લાસ્ટિક મુક્ત ભવિષ્યનું નિર્માણ કરીએ તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ.