ઇ.સ.ના નવા વર્ષ ૨૦૨૬ને વેલકમ કરવા અને ૨૫ને વિદાય આપવા રિલાયન્સ ટાઉનશીપની અંદર ગઇ રાત્રે અદભૂત અને અવિસ્મરણીય ઉજવણી થઇ હતી અને તેમાં પણ ભવ્ય આતશબાજી તથા ડ્રોનના માઘ્યમથી આકાશ પર લખાયેલ હેપ્પી ન્યુયરની પળોએ ઉપસ્થિત તમામ લોકોને ગદગદીત કરી દીધા હતાં, એક તરફ શહેરમાં કોઇ ખાસ ઉજવણી ન હતી તો બીજી તરફ મોટી ખાવડી ખાતે રિલાયન્સની અંદર એક એવો જબરદસ્ત જલ્સો હતો જે રિલાયન્સ પરીવારના પ્રત્યેક અધિકારીઓ, કર્મચારીઓને આખું વર્ષ યાદ રહેશે, બોલીવુડની ઉપસ્થિત સેલીબ્રીટીઓએ કાર્યક્રમને વધુ રંગીન અને સંગીન બનાવ્યો હતો.

આમ તો છેલ્લા ત્રણ દિવસથી બોલીવુડની સેલીબ્રીટીઓ, ક્રિકેટ સ્ટારો જામનગર તરફ આવતા રહ્યા હતાં અને થર્ટીફર્સ્ટની ઉજવણી રિલાયન્સ ટાઉનશીપમાં થવાની છે તેવો સંકેત મળી ગયો હતો, દરમ્યાનમાં ગઇ રાત્રે રિલાયન્સ કંપની દ્વારા પોતાના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરીવારજનો માટે સંગીત અને આતશબાજીની ભવ્ય ઉજવણી કરી હતી અને આ તમામ ક્ષણો ઘણા બધા લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી છે.
પ્લેબેક સિંગર રફતાર તથા એસ કિંગ દ્વારા સુરોની સુનામી ફુંકવામાં આવી હતી તો બીજી તરફ ડીજે ભાવિક દ્વારા સંગીતનો એવો યાદગાર કાર્યક્રમ અપાયો હતો જેના પર ઉપસ્થિત દર્શકો ચીચીયારીઓ પાડતા ઝુમી ઉઠયા હતાં.

ગઇ સાંજે રિલાયન્સના ચેરમેન મુકેશભાઇ અંબાણી દ્વારકા દર્શને ગયા હતાં એટલે ગઇ રાતની ઉજવણીમાં રિલાયન્સનો આખો પરીવાર પણ સ્વભાવીક રીતે ઉપસ્થિત રહ્યો હતો અને રિલાયન્સ તરફથી એમના અધિકારી-કર્મચારીગણને એક પરીવાર તરીકે સંબોધીને તમામને યાદગાર ક્ષણો આપી હતી.

ખાસ કરીને જે અદભૂત આતશબાજી થઇ હતી એ ખરેખર જોવા લાયક હતી અને ટાઉનશીપની બહારથી પણ ઘણા બધા લોકોએ આતશબાજીનો નજારો માણ્યો હતો, આટલું જ નહીં ડ્રોન મારફત આકાશ પર અવનવી રંગોળીઓ બનાવવામાં આવી હતી અને ડ્રોન મારફત જ ૨૦૨૬નું વેલકમ કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં ઉજવણીનો કોઇ માહોલ હતો નહીં પરંતુ રિલાયન્સની ટાઉનશીપની અંદર ગઇ રાત હજારો લોકો માટે ૨૦૨૫ની સૌથી યાદગાર રાત બની રહી હતી.

આ ઉજવણીમાં એક તરફ રિલાયન્સનો પરીવાર હતો તો બીજી તરફ દેશના ખ્યાતનામ સીતારાઓમાં બોલીવુડના ભાઇજાન સલમાન ખાન, રિતેશ દેશમુખ, જેનેલીયા દેશમુખ, શિલ્પા સેટ્ટી, લુલીયા વંતુર, મનોજ તિવારી સહિતના સીતારાઓ હતાં તો સુર્યકુમાર યાદવ જેવા ક્રિકેટર પરીવાર સાથે હાજર હતાં, આટલું જ નહીં દેશના જાણીતા પત્રકાર રજત શર્મા પણ યાદગાર ઉજવણીના આઇ વીટનેસ બન્યા હતાં.