BREAKING NEWS

જુનાગઢના મીર હાજી કાસમ સહિત ગુજરાતના ત્રણ રત્નોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે, જાણો ત્રણેય મહાનુભાવો વિશે

  • January 25, 2026 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારે આજે પદ્મ પુરસ્કારો-2026ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 45 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં જુનાગઢના મીર હાજીભાઈ કાસમભાઈ, સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલ અને વડોદરાના ચુનીલાલ પંડ્યાને પણ આર્ટ અને સામાજિક ક્ષેત્રે સેવા બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. 


મીર હાજીભાઈ કાસમભાઈ 

મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. તેમને લોકો 'હાજી રમકડું'ના નામથી પણ બોલાવે છે. ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. તેમણે ગાયો માટે 3 હજારથી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યો છે. તેમણે 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે.


નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, સામાજિક કાર્યકર 

સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મ શ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે. નિલેશભાઈના પિતાની વર્ષ 1997માં કિડની નિષ્ફળ થતા, વર્ષ 2004થી તેઓનું  નિયમિત પણે ડાયાલીસીસ કરાવવા જવું પડતું. જેમાં અનેક તકલીફોનો સામનો કર્યા બાદ નિલેશભાઈ દ્વારા વર્ષ 2006માં સુરત થી કિડની દાનથી અંગદાન સેવાનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાનનો લિવર, સ્વાદુપિંડ, હૃદય, હાડકા, ફેફસાં, નાનું આતરડું, હાથ અને ગર્ભાશયના દાન સુધી વિસ્તાર થયો હતો,  અત્યાર સુધીમાં ડોનેટ લાઈફ સંસ્થાના ભગીરથ કાર્ય થકી કુલ 1300થી વધારે અંગો તેમજટીસ્યુઓનું દાન કરાવવામાં આવી ચૂક્યું છે.


ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા, (આખ્યાન, માણભટ્ટ)

ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને પણ પદ્મ શ્રી એવોર્ડનું સન્માન મળશે. જન્મ, 11 ઑગસ્ટ 1932, વડોદરા, તેમણે ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. તેમણે દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. આરંભકાળે વડોદરાની પોળોમાં આખ્યાનકથાઓ કરી. વડોદરાના રેડિયોસ્ટેશન મારફતે ગુજરાતમાં પ્રસિદ્ધ થયા. તેઓ 1951-52થી આ વ્યવસાયમાં પ્રવૃત્ત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન સુધી તેઓ કાર્યક્રમો આપી ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેઓ નિયમિત રીતે કાર્યક્રમો આપતા હતા. પ્રેમાનંદનાં લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે. 


દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી 1952થી આરંભાયેલી પુરસ્કારની પ્રણાલિકામાં 1987માં તેમનું સન્માન થયું. આવું માન પામનાર ગુજરાતમાં તેઓ માત્ર એક છે. પ્રેમાનંદની વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પુરુષાર્થ આજીવન રહ્યો. 1981માં શારદાપીઠના શંકરાચાર્યે ‘કીર્તનકેસરી’ અને ‘માણકલા-કૌશલ’ બિરુદોથી તેમને નવાજ્યા. માણ કલાના વિકાસ માટે તેમણે ૮ થી ૯ વર્ષનો એક અભ્યાસક્રમ તૈયાર કર્યો હતો. તેમના બંને દીકરાઓ પ્રદ્યુમન અને મયંક પણ માણભટ્ટ કલાકારો છે.


ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા અનેક એવોર્ડથી સન્માનિત

1980માં ગુજરાત રાજ્ય સંગીતનૃત્ય અકાદમી દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ

1983માં ગુજરાત રાજ્ય સંગીતનૃત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર

1984માં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઍવૉર્ડ, 

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી ઍવૉર્ડ

1986માં સ્વામિનારાયણ સંપ્રદાયના તત્કાલીન આચાર્ય તેજેન્દ્રપ્રસાદ દ્વારા સન્માન

1987માં ગુજરાત લોકકલા કેન્દ્ર દ્વારા ઍવૉર્ડ

1987માં અમૃતા સંસ્થા, ચુંવાળ દ્વારા ઍવૉર્ડ 

1991માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application