રાજકોટમાં દેશી વિદેશી દારૂની બદીને ડામવા માટે ગઈકાલે પોલીસની મેગા ડ્રાઇવ યોજાઈ હતી. તો બીજી તરફ નશાખોરીના દુષ્ણને ડામવા માટે પણ પોલીસ સતત પ્રયત્નશીલ છે. ત્યારે પ્રદ્યુમનનગર પોલીસ મથકના સ્ટાફે રેલનગર વિસ્તારમાં આવેલી લાલ બહાદુર ટાઉનશીપ નજીક ખુલ્લા પટમાંથી ત્રણ શખસોને રૂપિયા 55,400 ની કિંમત ના 1. 108 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ શખસોની પૂછતાછ કરતા સુરતથી ગાંજો લઇ ટ્રેન મારફત રાજકોટ આવ્યા બાદ અહીં પડીકી બનાવી છૂટકમાં વેચાણ કરવાના હોવાનું જણાવ્યું હતું. આ આ શખસો કેટલા સમયથી નશાનો વેપલો ચલાવી રહ્યા છે તેમજ તેમાં તેમની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈની સૂચના અને એસીપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા માદક પદાર્થોનું વેચાણ અટકાવવા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત માદક પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારા શખસો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ પ્રયત્નશીલ છે.
પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પી.એસ.આઇ જે.બી. રાણીંગા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ તૌફિકભાઇ મંઘરા, ચાપરાજભાઈ ખવડને મળેલી બાતમીના આધારે રેલનગર વિસ્તારમાં આવેલી લાલ બહાદુર ટાઉનશીપ પાસે ખુલ્લા પટમાંથી ત્રણ શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ શખસોની અંગ જડતી લેતા તેમની પાસેથી રૂ. 55,400 ની કિંમતનો 1.108 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો આ જથ્થો બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 62,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
માદક પદાર્થ સાથે ઝડપાયેલા આ શખસોના નામ જયદીપ અરવિંદભાઈ સીતાપરા (ઉ.વ 21 રહે. સંતોષીનગર શેરી નંબર 7 રેલનગર) મિલન ધીરેન્દ્રભાઇ જોટંગીયા(ઉ.વ 25 રહે. ભોજરાજપરા, વોરાકોટડા રોડ, ગોંડલ) અને રણજીત છગનભાઈ ચૌહાણ (ઉ.વ. 21 રહે. સંતોષીનગર, ઠક્કરબાપાના મંદિરવાળી શેરી) હોવાનું માલુમ પડ્યું હતું. ત્રિપુટીની પૂછતાછ કરતા તે સુરતથી ગાંજાનો જથ્થો લઈ ટ્રેન મારફત રાજકોટ આવ્યા હતા અને બાદમાં તેની પડીકી બનાવી બંધાણીઓ અને ગાંજો વેચવાના હતા પરંતુ તે પૂર્વે જ પોલીસની ઝપટે ચડી ગયા હતા. પોલીસની પૂછતાછમાં પ્રથમ વખત જ સુરતથી ગાંજો લાવ્યાનું આરોપીઓએ રટણ કર્યું હતું પરંતુ આ શખસોએ અગાઉ પણ આ પ્રકારે ખેપ મારી હોવાની શંકા છે. પોલીસે આરોપીઓ એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. વસાવાની રાહબરી હેઠળ પી.એસ.આઇ જે.બી. રાણીંગા, હેડ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, જે.એલ. વાવડીયા, કોન્સ્ટેબલ ચાપરાજભાઈ ખવડ, તૌફિકભાઈ મંઘરા, વનરાજભાઈ બોરીચા, વિરેન્દ્રસિંહ પરમાર, તૌફિકભાઇ જુણાચ, જયપાલસિંહ ઝાલા અને ધર્મેશભાઈ મોણપરા સાથે રહ્યા હતા.