BREAKING NEWS

જોધપુર-જેસલમેર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: ગુજરાતના 3 શ્રદ્ધાળુઓના મોત, 15 થી 20 ઘાયલ

  • November 21, 2026 10:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના જોધપુર-જેસલમેર હાઇવે પર શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રામદેવરા ખાતે બાબા રામદેવના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી એક ખાનગી બસ, હાઇવે પર મંડલા કલાં ગામ નજીક ગંભીર અકસ્માતનો શિકાર બની હતી.


આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ ગુજરાતના 3 મુસાફરોની કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે બસમાં સવાર અન્ય 15 થી 20 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.


સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી તાત્કાલિક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ, ગંભીર રીતે ઘાયલ થયેલા આશરે 15 થી 20 મુસાફરોને વધુ સારવાર અને સુવિધા માટે જોધપુરની મોટી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે.


પ્રાથમિક માહિતી મુજબ, બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ ગુજરાતના વિવિધ વિસ્તારોના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ લોકો પવિત્ર યાત્રાધામ રામદેવરામાં બાબા રામદેવના દર્શન અને આશીર્વાદ મેળવીને પોતાના વતન ગુજરાત પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મંડલા કલાં પાસે બસ અચાનક બેકાબૂ થઈને પલ્ટી ખાઈ ગઈ હતી.



અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્રની રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા અને તેમના પરિવારજનોને જાણ કરવા માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ઘાયલોના સ્વજનો સુધી માહિતી પહોંચાડવા માટે પણ પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application