BREAKING NEWS

અમેરિકામાં સતત ખામીઓથી ટ્રમ્પ ઘેરાયા સમર્થકોએ જ સરકાર પાસે જવાબ માગ્યો

  • November 18, 2026 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી મહત્વની ટેક્નિકલ સેવાઓ એક પછી એક ખોરવાઈ રહી હોવાથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્ની સરકાર સામે સવાલો ઊભા થયા છે. વિપક્ષના નેતાઓ ઉપરાંત ટ્રમ્પ્ના પોતાના સમર્થકો પણ સરકાર પાસે આ ઘટનાઓ અંગે સ્પષ્ટતા માગી રહ્યા છે. દેશની વિમાની સેવાઓ, બેન્કિંગ વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા નેટવર્કમાં ખામીઓ સર્જાવાની ઘટનાઓએ અમેરિકન નાગરિકોમાં ચિંતા વધારી છે.



અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના નેટવર્કમાં ખામી સર્જાતાં દેશભરમાં વિમાનોને ઉડાન ભરતાં અટકાવવાની ફરજ પડી હતી. હજારો ફ્લાઈટ મોડી પડી હતી અને મોટી સંખ્યામાં મુસાફરો એરપોર્ટ ઉપર અટવાયા હતા. ત્યારબાદ યુનાઈટેડ એરલાઈન્સની ટેક્નિકલ વ્યવસ્થામાં ખામી સર્જાઈ હતી.



આ ઉપરાંત જેપી મોર્ગન ચેઝ સહિતની બેન્કોના ગ્રાહકોને ઓનલાઈન વ્યવહારો કરવામાં મુશ્કેલી પડી હતી. માઈક્રોસોફ્ટની આઉટલુક અને ટીમ્સ જેવી સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. હવે એપલ અને અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સાના નેટવર્કમાં ખામી સર્જાવાથી સરકાર ઉપર દબાણ વધ્યું છે.



ટ્રમ્પ સરકાર સાથે સંકળાયેલી રહી ચૂકેલી ટ્રિશિયા મેકલોફલિને સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું હતું કે અમેરિકન નાગરિકો મૂર્ખ નથી. તેઓ જાણવા માગે છે કે ખરેખર શું ચાલી રહ્યું છે. તેમને સત્ય જાણવાનો અધિકાર છે.
મેગન મેકકેને પણ સરકારના કોઈ વરિષ્ઠ અધિકારીએ જાહેરમાં આવીને આ ઘટનાઓ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માગણી કરી છે. તેમના જણાવ્યા મુજબ કોરોના મહામારીનો સમય જોઈ ચૂકેલા અમેરિકન નાગરિકો આટલી બધી ઘટનાઓને માત્ર સંયોગ માનવા તૈયાર નથી.


ટ્રમ્પ્ના સમર્થકોમાંથી પણ સરકારની કામગીરીમાં પારદર્શિતા રાખવાની માગણી ઊઠી છે. આથી ટેક્નિકલ ખામીઓનો મુદ્દો હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application