કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ગત રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભચાઉ નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એક બાળક સહિત બે વ્યક્તિઓના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે અથડામણ બાદ કાર અને ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
કાર સંપૂર્ણ રીતે બળીને ખાક
અકસ્માતની માહિતી મળતાની સાથે જ ભચાઉ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે કાર સંપૂર્ણ રીતે બળીને ખાક ગઈ હતી, જ્યારે ટ્રકને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પોલીસે સમયસર કાર્યવાહી કરીને દૂર કર્યો હતો અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધ્યો
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધ્યો હતો અને અકસ્માતમાં મોતને ભેટેલા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ઝડપ અથવા બેદરકારીને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બે દિવસ પહેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું
ઉલ્લેખનીય છે કે ભચાઉ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. બે દિવસ અગાઉ પણ ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પાસે આવેલા આંબેડકર સર્કલ નજીક એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તે સમયે ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે અને માર્ગ સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.