BREAKING NEWS

વડતાલ સ્વામિનારાયણ મંદિરનો પાર્ષદ દારૂ ઢીચી બેફામ કાર ચલાવતા ઝડપાયો

  • February 28, 2026 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી વિવાદમાં આવ્યા છે. પાટણવાવ પોલીસે ચેકિંગ દરમિયાન મોટી મારડ પાસે સર્પાકાર રીતે કાર હંકારનારને અટકાવ્યો હતો. પોલીસે કારચાલકની પુછતાછ કરતા તે વડતાલ સ્વામિનારાયણ મંદિરનો પાર્ષદ મયુરભગત હોવાનું જણાવ્યું હતું અને તેણે નશો કર્યો હોવાનું માલુમ પડયું હતું.


પોલીસે કારની તલાશી લેતા તેમાંથી દારૂની એક ખાલી બોટલ, અને એક ભરેલી બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની આ બોટલ રૂ.૨ લાખની કિંમતની કાર અને બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


જાણવા મળતી વિગતો મુજબ, પાટણવાવ પોલીસ મથકમાં ફરજ બજાવતાં લોકરક્ષક મહિપતસિંહ ગોહિલે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અન્ય સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે નાની મારડ ગામમાં આવતાં રોડ ઉપર બસ સ્ટેન્ડ પાસે એક શખસ પોતાની કાર આડી-અવળી, સર્પાકાર રીતે ચલાવી લઈ આવતો હોઈ જેથી તે કાર ઊભી રખાવી જોતા ચાલક નશાની હાલતમાં જોવા મળતાં તેનું નામ પૂછતા પોતાનું નામ પાર્ષદ મયુરભગત ગુરુસ્વમીધર્મપ્રસાદજ વિજયપ્રકાશદાસજી હરીજીવનદાસજી મૂળ નામ પાર્ષદ પરેશ ત્રિવેદી (ઉ.વ.૩૯, રહે. સ્વામીનારાયણ મંદિર વડતાલ, ખેડા મૂળ રહે. નાના સમઢીયાળા, ઉના) હોવાનું જણાવેલ અને તેની આંખો નશાથી ઘેરાયેલ લાલ થયેલ અને મોઢામાંથી દારૂ પીધેલાની વાસ આવતી હતી.


તેમજ તેને અટકમાં લઈ બલેનો કાર નં. જી.જે ૦૭-ડી.જી.૬૭૧૦ ચેક કરતા આગળની સીટ પર એક દારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી. તેમજ પાછળની સીટ ચેક કરતા દારૂની એક બોટલ ભરેલ મળી આવી હતી. જેથી પાર્ષદ મયુરભગતની અટક કરી કાર અને દારૂ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પાટણવાવ પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખસ જેતપુરથી ઉપલેટા તરફ જઈ રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application