રાજકોટ ધર્મસભામાં સ્વરા ભાસ્કરના નિવેદન સામે આક્રોશ: VHP અને ભક્તિસ્વામીએ ફિટકાર વરસાવ્યો
રાજકોટમાં યોજાયેલી ધર્મસભા દરમિયાન બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર દ્વારા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ના ઐતિહાસિક 'જૌહર' દ્રશ્ય અંગે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય વિરાંગનાઓના બલિદાન અને સ્વમાનના પ્રતીક સમાન જૌહર પ્રથા પર ટીકાત્મક ટિપ્પણી કરવા બદલ ધાર્મિક ગુરુઓ અને હિન્દુ સંગઠનોએ અભિનેત્રી સામે મોરચો માંડ્યો છે.
ધર્મસભા દરમિયાન સંબોધન કરતા ભક્તિસ્વામી આ મુદ્દે ભારે લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે સ્વરા ભાસ્કરના નિવેદનની આકરા શબ્દોમાં નંદાસી કરી તેમને 'શૂર્પણખા' સાથે સરખાવી હતી. સ્વામીજીએ તીખો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "આપણને જેટલા વિધર્મીઓ નથી નડ્યા, એટલા તો આપણા જ ઘરમાં રહેલા 'જયચંદો' નડી રહ્યા છે." તેમણે ઉમેર્યું કે ભારતની વિરાંગનાઓએ પોતાના શિલ અને સ્વાભિમાનની રક્ષા માટે આપેલી આહુતિને તુચ્છ ગણાવવી એ ઈતિહાસ અને સંસ્કૃતિનું મોટું અપમાન છે.
બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા પણ આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. VHPના પદાધિકારીઓએ સ્વરા ભાસ્કરના આ કૃત્ય અને નિવેદનને સમાજ માટે કલંકરૂપ તેમજ માનસિક કીડા સમાન ગણાવ્યા છે. સંગઠને સ્પષ્ટ ચેતવણી આપી છે કે સનાતન સંસ્કૃતિ અને ઐતિહાસિક બલિદાનોનું આ પ્રકારે અપમાન સાંખી લેવામાં આવશે નહીં. આ વિવાદને પગલે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના સામાજિક અને ધાર્મિક વર્તુળોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.