રાજકોટ-લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં કુલ ૧૫ પૈકી ૧૦ બેઠકો બિનહરીફ થયા બાદ આજે પાંચ બેઠકો માટે મતદાન શરૂ કરાયું છે. ભાજપે વ્હિપ જાહેર કરીને પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેમાં પક્ષ દ્વારા કુવાડવા જૂથ બેઠક પરથી અરવિંદ રૈયાણી, માધાપર જૂથ બેઠક પરથી પૃથ્વીસિંહ (ઘોઘુભા) જાડેજા, ખોખડદડ જૂથ બેઠક પરથી બાબુ નસીત, ત્રંબા જૂથ બેઠક પરથી નિતીન રૈયાણી, હલેન્ડા જૂથ બેઠકથી મહેશ આસોદરિયા સહિતના નામો જાહેર કરવામાં આવ્યા છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ, આજે સવારે ૯થી બપોરે બે વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે આવતીકાલે ૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૯થી વાગ્યાથી મતગણતરી શરૂ કરી ફાઇનલ રિઝલ્ટ જાહેર કરાશે. પાંચ બેઠકો માટે કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપના વ્હિપ બાદ હવે બંને જૂથ સત્તાનું સુકાન કબજે કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે સવારે નવ કલાકે મતદાન શરૂ થયાથી ૯:૪૫ કલાક સુધીના પોણો કલાકમાં જ પચાસ ટકા જેવું મતદાન પૂર્ણ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રા.લો.સંઘમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ વચ્ચે રાજકીય જંગ ખેલાઇ રહ્યો છે. ભાજપ દ્વારા અપાયેલા મૌખિક મેન્ડેટનો ઉલાળીયો કરીને રાદડિયા જૂથના ઉમેદવારોએ બળવો કરીને ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજવાની નોબત આવી હતી. છેલ્લા એક પખવાડિયાથી આ ચૂંટણીને લઇને ખેલાઇ રહેલા દાવપેચથી સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. રા.લો.સંઘનું ચેરમેન પદ પ્રશાંત કોરાટ સમર્થિત અરવિંદ રૈયાણીને મળશે કે જયેશ રાદડિયા જૂથના નીતિન ઢાંકેચાને મળશે તેનો ફેંસલો કાલે સવારે ૧૧ વાગ્યા સુધીમાં થઇ જશે.
ક્યા ઉમેદવારો વચ્ચે ટક્કર ?
ગ્રુપ
૧. અરવિંદ રૈયાણી વિ.નીતિન ચોવટિયા
૩. વિજય સખીયા વિ.પૃથ્વીસિંહ (ઘોઘુભા) જાડેજા
૫. હરજીભાઈ પીપળીયા વિ.બાબુ નસીત
૬. અનિરુધ્ધસિંહ જાડેજા વિ.નીતિન રૈયાણી
૧૦. મહેશ આસોદરિયા વિ.ધીરૂભાઈ રોકડ