ભારતમાં આ વર્ષે ઘઉંના વાવેતર વિસ્તારમાં છેલ્લા 26 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. ઓછા ચોમાસુ વરસાદ અને અન્ય પાકોમાં વધુ નફો મળવાની આશાને કારણે ખેડૂતો ઘઉંના બદલે ચણા, સરસવ સહિતના અન્ય પાકો તરફ વળી રહ્યા છે. આ સ્થિતિને કારણે આગામી સમયમાં દેશમાં ઘઉંના ઉત્પાદન પર અસર પડી શકે છે. ઉત્પાદન ઘટશે તો બજારમાં ઘઉંના ભાવ વધવાની અને તેની અસરથી લોટ સહિતની ખાદ્ય વસ્તુઓ મોંઘી થવાની શક્યતા છે.
કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઘઉંના વાવેતરમાં ઘટાડો થવાથી આ વર્ષે ઉત્પાદન પણ ઘટી શકે છે. ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં ચીન પછી બીજા ક્રમે છે. તેથી દેશમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થાય તો ખાદ્ય મોંઘવારીને નિયંત્રણમાં રાખવી સરકાર માટે પડકારરૂપ બની શકે છે.
મહારાષ્ટ્રના જાલના જિલ્લાના ખેડૂત વિલાસ ભુટેકરે જણાવ્યું હતું કે ઘઉંના પાકને ઓછામાં ઓછા ચારથી પાંચ વખત સિંચાઈની જરૂર પડે છે. પરંતુ તેમની પાસે ઘઉંનું વાવેતર કરવા માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ નથી. આથી તેમણે ઘઉંને બદલે ચણાનું વાવેતર કરવાનું પસંદ કર્યું છે, કારણ કે ચણાના પાકને ઓછા પાણીની જરૂર પડે છે.
ઘઉં ભારતમાં મુખ્ય રવિ પાક છે. સામાન્ય રીતે ખેડૂતો ઘઉંના વાવેતરને પ્રાથમિકતા આપે છે, પરંતુ જમીનમાં ભેજની અછત અને અન્ય પાકોમાં વધુ વળતર મળવાની શક્યતાને કારણે આ વર્ષે વાવેતરની પસંદગી બદલાઈ રહી છે. ખાસ કરીને ચણા અને સરસવ જેવા પાક ખેડૂતો માટે વધુ નફાકારક સાબિત થઈ રહ્યા છે.
આ વર્ષે અલ નીનોની અસરને કારણે દેશમાં છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો ચોમાસુ વરસાદ નોંધાયો છે. ઘઉંના ઉત્પાદનમાં અગ્રણી ગણાતા પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સરેરાશ કરતાં 41 ટકા ઓછો વરસાદ થયો છે. પરિણામે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને ખેડૂતોને ઘઉંના વાવેતર માટે જરૂરી પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
કૃષિ વેપાર ક્ષેત્રની કંપ્ની ઓલમ એગ્રી ઇન્ડિયાના ડેપ્યુટી ક્ધટ્રી હેડ નિતિન ગુપ્તાના જણાવ્યા અનુસાર, રવિ સિઝનના અન્ય પાકોની સરખામણીમાં ઘઉંને વધુ પાણીની જરૂર પડે છે. કેટલાક વિસ્તારોમાં પાણીની અછત હોવાથી ખેડૂતો ઘઉંનું ઓછું વાવેતર કરે તેવી શક્યતા છે.સરકારી આંકડા અનુસાર, 13 નવેમ્બર સુધીમાં દેશમાં આશરે 50 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું હતું. ગયા વર્ષની સમાન અવધિની સરખામણીમાં આ આંકડો 15.3 ટકા ઓછો છે.
ચાલુ રવિ સિઝનમાં ઘઉંના કુલ વાવેતર વિસ્તારમાં ગયા વર્ષના 3.36 કરોડ હેક્ટરની સરખામણીમાં આશરે 6 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. કૃષિ ઉદ્યોગ સાથે જોડાયેલા 10 અધિકારીઓના સરેરાશ અનુમાન પ્રમાણે આ વર્ષે ઘઉંનો વાવેતર વિસ્તાર ઘટીને 3.158 કરોડ હેક્ટર રહી શકે છે. જો આ અનુમાન સાચું સાબિત થાય તો વર્ષ 2000-01 પછીનો સૌથી મોટો ઘટાડો હશે.