હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પત્ની યોગ્ય કારણ વિના પતિથી અલગ રહેતી હોય તો તે ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી)ની કલમ 125 હેઠળ ભરણપોષણ મેળવવાની હકદાર નથી.
જસ્ટિસ અજય મોહન ગોયલ અને જસ્ટિસ યોગેશ જસવાલની ખંડપીઠે પત્નીની અરજી ફગાવીને બિલાસપુર ફેમિલી કોર્ટનો નિર્ણય યથાવત્ રાખ્યો છે.
અરજદારે બિલાસપુર ફેમિલી કોર્ટના 4 ડિસેમ્બર, 2025ના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ફેમિલી કોર્ટે પતિને સગીર પુત્રના ભરણપોષણ માટે દર મહિને રૂ. 5,000 ચૂકવવા ઉપરાંત તેના શિક્ષણ, તબીબી સારવાર અને લગ્નનો ખર્ચ આપવાનો આદેશ કર્યો હતો. જોકે, પત્નીને ભરણપોષણ આપવાની માગ ફગાવી દીધી હતી.
હાઈકોર્ટમાં પત્નીએ દલીલ કરી હતી કે તેની પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્ત્રોત નથી. બીજી તરફ, પતિએ જણાવ્યું હતું કે પત્ની ઘર છોડીને અલગ રહેવા જાય તેવી કોઈ મજબૂરી કે પરિસ્થિતિ ઊભી થઈ નહોતી.
ખંડપીઠે નોંધ્યું હતું કે પત્ની એમએ, બી.એડ. સુધી શિક્ષિત હોવા છતાં પતિથી અલગ રહેવા માટે કોઈ યોગ્ય કારણ સાબિત કરી શકી નથી. નીચલી અદાલતમાં પત્નીએ પોતે સ્વીકાર્યું હતું કે તે ગુસ્સામાં હિંસક બનીને પતિ સાથે મારપીટ કરતી હતી. પતિએ પણ આ સંબંધમાં ફરિયાદ નોંધાવી હતી.
ફેમિલી કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે પત્ની કમાવા માટે સક્ષમ છે અને કોઈ નક્કર કારણ વિના પતિથી અલગ રહે છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી હતી અને નીચલી અદાલતનો નિર્ણય યથાવત્ રાખ્યો હતો.