BREAKING NEWS

વડોદરામાં રોડ પર ઉભેલી પીકઅપ વાનમાં એક્ટિવા ઘુસ્યુંઃ યુવક-યુવતીનાં ઘટનાસ્થળે જ મોત

  • October 22, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલોલ-વડોદરા હાઈવે પર આવેલા ભાવપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંધ પડેલી એક પિકઅપ વાનની પાછળ એક્ટિવા ધડાકાભેર ઘૂસી જતાં તેના પર સવાર એક યુવક અને એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 

પ્રાપ્ત વિગતો અનુસાર, હાલોલ-વડોદરા માર્ગ પરથી એક પિકઅપ વાન પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતાં તે બંધ પડી ગઈ હતી. આથી વાનચાલકે તેને રોડ પર જ ઊભી રાખી દીધી હતી. તે જ સમયે માર્ગ પરથી પસાર થઈ રહેલું એક્ટિવા રોડ પર પાર્ક કરેલી આ પિકઅપ વાન પાછળ જોરદાર ધડાકા સાથે અથડાયું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે એક્ટિવા પર સવાર બંને સવારોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન મૃતકો પાસે મળી આવેલા કાગળો અને ઓળખપત્રોના આધારે બંનેની ઓળખ થઈ શકી હતી. જેમાં બાવીસ વર્ષીય યુવાનનું નામ રાઠોડ ગજેન્દ્રસિંહ દિલીપસિંહ અને યુવતીનું નામ ઋપિતા સરકાર હોવાનું સામે આવ્યું છે.

મૃતક યુવક અને યુવતીની ઉંમર આશરે બાવીસ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. તેઓ કોણ હતા, ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે તમામ બાબતો અંગે વિગતો મેળવવા માટે જરોદ પોલીસે તેમના ઓળખપત્રોના આધારે પરિવારજનોનો સંપર્ક સાધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application