BREAKING NEWS

શાપરમાં પ્રેમિકાના પતિની ધમકીથી ડરી જઇ યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • November 22, 2025 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મૂળ ગોંડલના કમઢીયા ગામનો વતની અને હાલ શાપરમાં રહેતા યુવાનને હોટેલમાં તેની પ્રેમિકાના પતિએ પકડી લીધો હતો. બાદમાં પ્રેમિકાના પતિ અને તેના ભાઇએ યુવાન સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હતી. જે ધમકીથી ડરી જઇ યુવાને ગેસ્ટહાઉસના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે યુવાનના ભાઇની ફરિયાદ પરથી પોલીસે બંને સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવ અંગે ગોંડલના કમઢીયા ગામે રહેતા સિદ્ધરાજભાઈ જેન્તીભાઈ પરમાર (ઉ.વ. 29) નામના યુવાને શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ રાજકોટમાં કટારીયા ચોકડી પાસે રંગોલી હાઈટ્સમાં રહેતા મૂળ વિસાવદરના જાંબુડા ગામના વતની સાગર મનજીભાઈ સાગઠીયા,, રવિ મનજીભાઈ સાગઠીયાના નામ આપ્યા છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના માતા-પિતાનું 15 વર્ષ પૂર્વે અવસાન થયું છે અને તેમને બે ભાઇ બે બહેનનો પરિવાર છે. જેમાં સૌથી નાનો જયદીપ(ઉ.વ. ૨૪) હતો.


ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના નાનોભાઈ જયદીપ જયંતીભાઈ પરમાર (ઉ.વ. 24 રહે. હાલ શાપર, વ્રજવાટીકા સોસાયટી, મૂળ કમઢીયા) બે વર્ષથી શાપરમાં રહેતો હતો અને બજાજ ફાઇનાન્સમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. ગઈકાલ સવારના 9:00 વાગ્યા આસપાસ કુટુંબીભાઈ રતિભાઈમાં જયદીપના પાર્ટનર સાગર મનજીભાઈ સાગઠીયાના ભાઈ રવિ મનજીભાઈ સાગઠીયાનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, ગઈકાલ રાત્રિના જયદીપ તથા મારા ભાઈ સાગરની પત્નીને અમે બંને ભાઈઓએ શાપરમાં હોટલ પાસે પકડયા છે. જેથી મેં તથા મારા ભાઈ સાગરે જયદીપને બીજીવાર મારી ભાભી સાથે નહીં દેખાવાનું કહ્યું છે અને દેખાશે તો જાનથી મારી નાખીશું અને બાદમાં જયદીપને જવા દીધો હોવાની વાત કરી હતી. જેથી યુવાન તથા તેના કૌટુંબિકભાઈ રતિભાઈ જયદીપને શોધવા માટે નીકળ્યા હતા. પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો યુવાન તેની ઓફિસે જતા જાણવા મળ્યું હતું કે, જયદીપે તેની ઓફિસની ઉપર પ્રગતિ મોલમાં આવેલ નીલમ ગેસ્ટ હાઉસમાં રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો છે. તબીબે અહીં આવી જોઇ તપાસી યુવાને મૃત જાહેર કર્યો હતો.


ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, જયદીપને સાગરની પત્ની સાથે અફેર હોય બંને શાપરમાં આવેલી હોટલે ભેગા થયા હતા તે સાગરની માલુમ પડતા સાગર તથા તેનો ભાઈ રવિએ જયદીપને ધમકાવ્યો હતો અને ઝઘડો કર્યો હતો. જેથી લાગી આવતા જયદીપે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી પોલીસે આ બંને ભાઈઓ સામે યુવાનને મરવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application