‘મહાભારત’ના યુધિષ્ઠિર ગજેન્દ્ર ચૌહાણને ‘રામાયણ’ના વનવાસ સીન સામે વાંધો
બીઆર ચોપરાની કલ્ટ સિરિયલ ‘મહાભારત’માં યુધિષ્ઠિરનું પાત્ર ભજવીને જાણીતા થયેલા પીઢ અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણમ્’ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે ફિલ્મમાં ભગવાન રામના રોલમાં રણબીર કપૂરના લુકની પ્રશંસા કરી છે, પરંતુ ફિલ્મના ટીઝર-ટ્રેલર અને ખાસ કરીને કેકેયીના પાત્ર ચિત્રણ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.ગજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે લારા દત્તા દ્વારા ભજવવામાં આવેલા કેકેયીના પાત્ર અને તેના વસ્ત્રો દર્શકોની પરંપરાગત અપેક્ષાઓ મુજબ નથી. તેમણે કહ્યું:
"મેં ‘રામાયણ’નું ટ્રેલર જોયું, સાચું કહું તો હું તેનાથી બહુ પ્રભાવિત ન થયો. ખાસ કરીને કેકેયી જ્યારે રાજા દશરથ પાસે રામ માટે વનવાસની માંગણી કરે છે તે સીન મને બિલકુલ પસંદ ના આવ્યો. એક તો તેમના કપડાં ખૂબ જ મોડર્ન છે, તેમને મોડર્ન સાડી પહેરાવવામાં આવી છે.
ગજેન્દ્ર ચૌહાણ પોતે વર્ષ 2002માં રવિ ચોપરાની ‘રામાયણ’માં રાજા દશરથની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું કે મંથરાના પ્રભાવ હેઠળ આવેલી કેકેયી અને દશરથ વચ્ચેનો આ કિસ્સો પરિવારના વિખેરાઈ જવાનો સૌથી ભાવુક અને મહત્વનો સીન છે, જેને ખૂબ જ ગંભીરતાથી શૂટ કરવો જોઈએ.
કાસ્ટિંગ અંગેની ચિંતાઓ છતાં, ગજેન્દ્ર ચૌહાણે રણબીર કપૂરના લુકના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે રણબીર એક મોટો સ્ટાર છે અને તે રામના ગેટ-અપમાં ખૂબ જ સરસ લાગી રહ્યો છે. જોકે, તેમણે ઉમેર્યું કે લોકોના મનમાં ભગવાન રામની એક ખાસ છબી વસેલી હોય છે, તેથી પરફોર્મન્સનું સાચું મૂલ્યાંકન આખી ફિલ્મ જોયા પછી જ થઈ શકે.
આ સિવાય તેમણે રાજા દશરથના પાત્ર માટે અરૂણ ગોવિલની પસંદગીને શ્રેષ્ઠ ગણાવી હતી. તેમણે કહ્યું:
"40 વર્ષ પહેલાં અરૂણ ગોવિલ રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામ બન્યા હતા, અને 40 વર્ષ પછી તેઓ દશરથ (પિતા) નો રોલ કરી રહ્યા છે. આ ખૂબ જ ઉત્તમ પસંદગી છે.
વાતચીત દરમિયાન તેમણે અમિતાભ બચ્ચન, ઋતિક રોશન, અજય દેવગન અને આમીર ખાન જેવા મોટા કલાકારો સાથે શરૂ થયેલા પરંતુ બે વર્ષ પછી બંધ પડેલા ‘મહાભારત’ પ્રોજેક્ટને પણ યાદ કર્યો હતો. તેમનું માનવું હતું કે જે કલાકારોની ઈમેજ પહેલાથી જ બનેલી હોય તેમને આવા પૌરાણિક પાત્રોમાં લાવવાથી અમુક મુશ્કેલીઓ આવી શકે છે.