BREAKING NEWS

ખંભાળીયા: દુષ્કાળમાં માત્ર ૮પ૦૦ આપી ખેડૂતોની ક્રુર મજાક-ઇસુદાન ગઢવી

  • October 27, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: દુષ્કાળમાં માત્ર ૮પ૦૦ આપી ખેડૂતોની ક્રુર મજાક-ઇસુદાન ગઢવી

પશુઓ માટે બે મહિનાનો માત્ર ૮૦ રૂપિયા પ્રતિ પશુ દીઠ ઘાસચારાનો સહારો ઊંટના મોઢામાં જીરૂ સમાન

ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છનો સમાવેશ થાય છે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે હેકટર દીઠ રૂ. ૮પ૦૦ ની સહાય જાહેર કરી છે તે મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કમોસમી વરસાદમાં આ જ સરકારે રર હજાર આપ્યા હતા, તો દુષ્કાળમાં ૮પ૦૦ આપીને ખેડૂતોને મજાક ઉઠાવી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આખરે સરકાર દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જે અનિશ્ચિતકાલીન ધરણા અને ખેડૂતોની લાંબી લડત તથા એકતાની મોટી જીત છે. આ કોઈ ઈસુદાનભાઈ કે ’આપ’ની જીત નથી પરંતુ ખેડૂતોની પીડાનું પરિણામ છે, તેથી ક્રેડિટ મેળવ્યા વગર આજે તમામ ખેડૂતો પોતપોતાના ઇષ્ટદેવ, દ્વારકાધીશ અને સોનલમાઁ સમક્ષ દીવડો પ્રગટાવીને આભાર વ્યક્ત કરશે. 

જોકે, સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર તો કર્યું પરંતુ અગાઉ કમોસમી વરસાદ વખતે SDRF અને NDRF ના નોર્મ્સ મુજબ હેક્ટર દીઠ ૨૨,૦૦૦ (બે હેક્ટરની મર્યાદામાં ૪૪,૦૦૦) રૂપિયા અપાતા હતા તેને બદલે માત્ર ૮,૫૦૦ રૂપિયા હેક્ટર દીઠ (બે હેક્ટરના ૧૭,૦૦૦) આપીને ખેડૂતોની ક્રૂર મજાક કરી છે. આ ઉપરાંત પશુઓ માટે બે મહિના સુધી માત્ર ૮૦ રૂપિયા પ્રતિ પશુ દીઠ ઘાસચારાની સહાય અને મનરેગા યોજનામાં વધારાના નાણાં કે રાહત કાર્યોના પૂરતા દિવસો ન આપીને મજૂરો, શ્રમિકો અને જમીન ભાગમાં રાખનાર ભાગિયાઓની સંપૂર્ણ ઉપેક્ષા કરવામાં આવી છે.

'આપ’ નેતા ઇસુદાન ગઢવીએ રોષ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા છતાં સરકારે નોટિફિકેશન બહાર પાડીને સૌની યોજનાનું સિંચાઈ માટેનું પાણી આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે, જેથી શિયાળુ અને ઉનાળુ પાક માટે પાણી ન મળવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે. ઉદ્યોગપતિઓને પાણી આપવા સામે કોઈ વાંધો નથી, પરંતુ ખેતીની આજીવિકા પર નભતા પીડિત ખેડૂતોને આ સમયે પાણી આપવું જ પડશે અને આ નોટિફિકેશન રદ કરવું પડશે. હજુ બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક સૂકાગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. ખેડૂતોની માંગ પંજાબની આમ આદમી પાર્ટી સરકારની જેમ હેક્ટર દીઠ ૫૦,૦૦૦ રૂપિયા સહાયની છે જેથી ખેડૂત છ મહિના પોતાનું ગુજરાન ચલાવી શકે, પરંતુ હાલ ઓછામાં ઓછા ગુજરાત સરકારના પોતાના નોર્મ્સ મુજબ ૪૪,૦૦૦ રૂપિયા તો મળવા જ જોઈએ. જો સરકાર સિંચાઈનું પાણી અને પૂરતી સહાય ન આપે તો ખેડૂતોની આ લડત ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને ૨૦૨૭માં ભાજપ સરકારને બદલીને જ જનતા જડબાતોડ જવાબ આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application