દ્વારકા જિલ્લામાં વરસાદ ન પડતા પીવાના પાણી-ઘાસચારાની તીવ્ર અછત સર્જાઇ
ભાણવડની મહાજન પાંજરાપોળ દ્વારા અછતને પહોંચી વળવા ખાસ બેઠકનું આયોજન
ભાણવડ વિસ્તારના ચાલુ વર્ષે વરસાદ ન થતા ખાસ કરી પાણી અને ઘાસચારાની તીવ્ર અછત ઉભી થઇ છે. આ માટે જૈન સાધુ આચાર્ય હેમપ્રભ મહારાજ પશુઓની વ્હારે આવ્યા છે અને રાહતદરે ઘાસચારો મળે એ માટે ચર્ચા વિચારણા કરાઇ હતી તેમજ રાજયસરકાર ભાણવડની જીવાદોરી સમાન વર્તુળ-ર ડેમને સૌની યોજના તળે પાણી આપે તે માટે પણ માંગણી કરાઇ હતી.
ભાણવડ ખાતે ગાયોની પાવન ભૂમિ ગણાતી મહાજન પાંજરાપોળ ગૌશાળામાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઇથી વર્ધમાન સંસ્કાર ધામના જેપી ભાઇ સહિત બીપીનભાઇશેઠ, તેમજ ગૌશાળાના સંચાલકો અને ગામના આગેવાનો, માલધારી પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
મીટીંગમાં તા.૯ અને રવિવારથી ઘાસચારા માટે શેરડી, અડધા ભાવથી, યોગ્ય સ્થળ પર પહોંચતી કરવી તે બાબતે પાંજરાપોળ સંચાલકો અને માલધારીઓ વચ્ચે સર્વસંમતિથી શરૂ કરવુ તેમ નકકી કરાયુ હતું. ઉપરોકત વ્યવસ્થા રાજય સરકાર તરફથી ઘાસડેપો શરૂ ન થાય ત્યાં સુધી વ્યવસ્થા જાળવી રાખવાની પણ ચર્ચા થઇ હતી.
ઉપરાંત પીવાના પાણીની સ્થિતિને પહોંચી વળવા માટે ભાણવડની જીવાદોરી સમાન ભેનકવડ પાસે આવેલ વર્તુ-ર ડેમને સૌની યોજના હેઠળ પાણી ભરી આપવા માટે સરકાર યોગ્ય પગલા લે તેવી માંગણી થઇ છે. મીટીંગમાં મહાજન પાંજરાપોળ ગૌશાળાના સંચાલક મુકેશભાઇ સંઘવી, ભાજપના અજય કારાવદરા, અલ્પેશ પાથર સહિત ઉપસ્થિત રહ્યા હતા.