BREAKING NEWS

જામનગરની જી.જી. હોસ્પિટલમાં કલાકો સુધી અંધારપટથી દેકારો

  • August 11, 2026 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની જી.જી. હોસ્પિટલમાં કલાકો સુધી અંધારપટથી દેકારો

તબીબો અને દર્દીઓ હેરાન-પરેશાન, મહીનામાં ત્રીજી વખત વીજળી ગુલ

ડોકટરોએ મોબાઇલની લાઇટની મદદથી દર્દીઓની સારવાર કરવી પડી

સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ગઇકાલે મોડીસાંજે કલાકો સુધી વીજળી ગુલ થતાં અંધારપટથી દેકારો બોલી ગયો હતો. વીજ-પુરવઠો ખોરવાતા તબીબો અને દર્દીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતાં. ફરજ પરના ડોકટરોએ મોબાઇલની લાઇટની મદદથી દર્દીઓની સારવાર કરવી પડી હતી. વર્ષો જૂના વાયરીંગના કારણે મહીનામાં ત્રીજી વખત વીજળી ગુલ થતાં આ સમસ્યા સર્જાતા અનેક સવાલો ઉઠ્યા છે.

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં ગઇકાલે સાંજે અચાનક વીજળી ગુલ થઇ ગઇ હતી. આથી હોસ્પિટલમાં અંધારપટની સ્થિતિ સર્જાતા મોટાભાગની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. બે કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતાં તબીબો અને દર્દીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા અને ભારે દેકારો બોલી ગયો હતો. આટલું જ નહીં હોસ્પિટલની કેસબારીમાં અંધારાના કારણે મોબાઇલની લાઇટ કરી કેસ કાઢવાની કર્મચારીઓને ફરજ પડી હતી. બીજી બાજુ ફરજ પરના તબીબોને મોબાઇલની લાઇટના આધારે દર્દીઓની સારવાર કરવા મજબૂર બન્યા હતાં. હોસ્પિટલમાં અંધારપટ સર્જાતા ઇલેકટ્રીશ્યનો કામે લાગ્યા હતાં. આ દરમ્યાન હોસ્પિટલમાં જૂના વાયરીંગના કારણે ફોલ્ટ થતા આ સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે. નવાઇની વાત તો એ છે કે, આ કારણોસર જનરેટર હોવા છતાં તેનો પાવર વહન ન થઇ શકતા અંધારપટની સ્થિતિ સર્જાઇ હતી.

બીજી બાજુ પીજીવીસીએલ દ્વારા તેઓની કક્ષાએ બધુ બરાબર હોય આંતરિક ફોલ્ટના કારણે આ સમસ્યાનો દાવો કરવામાં આવ્યો છે. 

અત્રે નોંધનીય છે કે, મહીનામાં ત્રીજી વખત હોસ્પિટલમાં વીજળી ગુલ થતા અનેક સવાલ ઉઠ્યા છે. કારણ કે, જો વીજ પુરવઠાના અભાવે હોસ્પિટલમાં રાખવામાં આવતી વેકસીન પણ નિષ્ક્રીય થઇ શકે છે. આથી જૂના બિલ્ડીંગ તાકીદે વાયરીંગ બદલવાની જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application