જામનગરમાં સોમવારથી દોડશે એસી-ઇલેકટ્રીક સીટી બસ
લાંબા ઇન્તજાર બાદ શહેરીજનોની આતુરતાનો અંત: તા.૧૫ના રોજ સાંજે ૪.૩૦ વાગ્યે ધનવંતરી મેદાન પાસે રાજયનાં પર્યાવરણ મંત્રી સીટી બસને લીલીઝંડી આપશે: સાંસદ, રાજયમંત્રી, મેયરની હાજરી
આશરે ત્રણેક માસ પહેલા સીટી બસ સેવા આવી ગઇ હતી પરંતુ ચુંટણીના કારણે તેનું મુરત થયુ ન હતું. આખરે જામ્યુકોએ સોમવાર તા.૧૫ના રોજ સાંજે ૪.૩૦ વાગ્યે ધનવંતરી મેદાન પાસેથી ઇલેકટ્રીક એસી સીટી બસ શરૂ કરવાનું નકકી કર્યું છે. રાજયનાં પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, સીટી બસને પ્રસ્થાન કરાવશે આ કાર્યક્રમમાં સાંસદ, રાજયમંત્રી, મેયર, જિ.પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય સહિત અગ્રણીઓ હાજર રહેશે.
મ્યુ.કમિશનર દીપેશ કેડીયાના જણાવ્યા અનુસાર હાપા ખાતે સીટી બસ ચાર્જ કરવાનું સ્ટેશન કાર્યરત થઇ ગયું છે ત્યારે હવે સોમવાર તા.૧૫ના રોજ શહેરીજનો માટે વિવિધ રૂટમાં ૨૫ સીટી બસ દોડાવવાનું આયોજન કરાયું છે. એકાદ મહિના બાદ વધુ ૨૫ બસ આવી જતા સમગ્ર શહેરને સીટી બસ સેવાથી આવરી લેવામાં આવશે. અને લોકોને રીક્ષા તેમજ અન્ય ખાનગી વાહનોમાં વધુ ભાડા ભરવા પડે છે તે સમસ્યા દુર થશે.
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, સાંસદ પુનમબેન માડમ, રાજયમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનીકાબેન વ્યાસ, જિ.પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, દિવ્યેશભાઇ અકબરી, મેઘજીભાઇ ચાવડા, ડે.મેયર રાકેશ ડેર, ચેરમેન ધીરેનભાઇ મોનાણી, નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી તેમજ નગરસેવકો અને અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
ઇલેકટ્રોનીક બસ સેવા શરૂ થશે એટલે જામનગરમાં ડીઝલ અને પેટ્રોલથી ચાલતી બસોનો ધુમાડો ઓછો થશે. પ્રધાનમંત્રીની યોજના અનુસાર જામનગરને ૫૦ બસ ફાળવવામાં આવી હતી, તેમાંની રપ બસ આવી ગઇ છે, ચુંટણીને હિસાબે આ બસ સેવા શરૂ થઇ ન હતી, હવે સોમવારે સાંજે ૪.૩૦ વાગ્યે જામનગરમાં સીટી બસ સેવા શરૂ થશે, હાલમાં રૂટ નકકી કરવામાં આવ્યા છે. વધુ પ૦ બસ આવ્યે શહેરના તમામ વિસ્તારોને બસ સેવાથી આવરી લેવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સીટી ઇજનેર ભાવેશ જાની, પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાની સહિતના અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
જામનગર શહેરમાં ૧૪ જેટલી સીટી બસ ઉપલબ્ધ હતી છેલ્લા કેટલાક સમયથી ૯ થી ૧૦ સીટી બસ દોડતી હોવાનું જાણવા મળે છે હવે રપ નવી બસ આવી જતા રૂટ પણ વધી જશે જામનગરમાં હદ પણ વધી છે, ખીમરાણા, ધુંવાવ, દરેડ, જેવા ગામોમાં પણ સીટી બસ સેવાની સવલત લોકોને આપવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં વધુ સારી સેવા મળશે. તે લોકો માટે ફાયદાકારક રહેશે.