BREAKING NEWS

દ્વારકા: બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટીઓ સામે તંત્રની કાર્યવાહી

  • August 17, 2026 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટીઓ સામે તંત્રની કાર્યવાહી

૭ દિવસમાં માલિકીના પુરાવા રજૂ કરવા નોટિસ

બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચર તથા સરકારી જમીન પર થયેલા કથિત દબાણ અંગે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓખા નગરપાલિકાએ બેટ દ્વારકા મંદિર સાથે સંકળાયેલા બે ટ્રસ્ટીઓને નોટિસ પાઠવી તેમની મિલકતો અને બાંધકામ અંગેના માલિકી હકના આધાર-પુરાવા ૭ દિવસમાં રજૂ કરવા આદેશ આપ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચર અને સરકારી જમીન પર દબાણ થયાની રજૂઆત બાદ દ્વારકા મામલતદાર કચેરી દ્વારા ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસરને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકા તંત્ર દ્વારા પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટના સંયોજક હેમંતસિંહ મનુભા વાઢેર તથા અન્ય ટ્રસ્ટી પ્રમોદભાઈ ભટ્ટને અલગ-અલગ નોટિસ પાઠવવામાં આવી છે.

નગરપાલિકાની નોટિસ મુજબ હેમંતસિંહ વાઢેર દ્વારા દરિયાકાંઠા નજીકની જમીન પર મરીન નેચર કેમ્પ બનાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. જ્યારે પ્રમોદભાઈ ભટ્ટને મોકલાયેલી નોટિસમાં બેટ દ્વારકામાં ટઈંઙ પાર્કિંગ પાછળ આવેલી ગૌચર તથા સરકારી જમીન પર દબાણ કરી બાંધકામ કરવામાં આવ્યું હોવાની નોંધ કરવામાં આવી છે.

ચીફ ઓફિસર દ્વારા બંને ટ્રસ્ટીઓને તેમની મિલકતના માલિકી હક અને બાંધકામની કાયદેસરતા અંગેના પુરાવા રજૂ કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેમાં રજિસ્ટર ઓફિસમાં થયેલા જમીન-મિલકતના દસ્તાવેજોની નકલ, જમીનના ઉતારા નંબર તથા સિટી સર્વેની નોંધ, નગરપાલિકા પાસેથી મેળવેલી બાંધકામ પરમિશનની નકલ તેમજ નગરપાલિકાના વેરા બિલ મુજબ ભરેલી વેરાની પહોંચનો સમાવેશ થાય છે. નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તપાસ અહેવાલ બાદ સરકારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી બેટ દ્વારકામાં સરકારી અને ગૌચર જમીનના ઉપયોગને લઈને ફરી ચર્ચા તેજ બની છે. હવે સાત દિવસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ટ્રસ્ટીઓ દ્વારા કયા દસ્તાવેજો રજૂ કરવામાં આવે છે અને તેના આધારે નગરપાલિકા તથા મહેસૂલ તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application