હાલારમાં ફાટી રહી છે ખેતીની જમીનો: મુરઝાઇ રહ્યો છે મોલ
હાલારમાં ઊપરતા વરસાદથી મોટાભાગના ખેતરોમાં જમીન ફાટી જતાં પાક મુરઝાઇ એટલે કે મહદઅંશે સૂકાઇ ગયાની ફરિયાદો ખેડૂતોમાં ઉઠી છે. મગફળીના પાકમાં વિકાસનો તબકકો અને ફુલની અવસ્થાનો સમય પૂર્ણ થતા વરસાદ થશે તો પાણ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ કૃષિ તજજ્ઞોએ વ્યકત કરી છે. બંને જિલ્લામાં નહીંવત વરસાદથી કૃષિને ભારે ફટકાથી ખેડૂતો દયનીય સ્થિતિમાં મૂકાયા છે. બીયારણ, ખાતર સહીતના ખર્ચ પર પાણીઢોળની સ્થિતિ સર્જાઇ છે. ખેતમજૂરોની રોજગારી પર ખતરો ઉભો થયો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ૧૫ જૂનના વિધિવત ચોમાસાનું આગમન થયું હતું. બંને જિલ્લામાં જે ખેડૂતોને પિયતની સુવિધા હતી તેઓએ ચોમાસુ પાકનું આગોતં વાવેતર કર્યું હતું. બાકીના ખેડૂતોએ પ્રથમ રાઉન્ડમાં વાવણીલાયક વરસાદ થતાં વાવેતર કર્યું હતું. પરંતુ ત્યારબાદ વરસાદ ખેેંચાતા ચિંતાના વાદળો ઘેરાયા હતાં. જો કે, બીજા રાઉન્ડમાં એકાદ વખત નોંધપાત્ર વરસાદ થતાં ખેડૂતોએ આંશિક હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ત્યારબાદ વરસાદ ખેેંચાતા આ રાહત છેતરામણી પુરવાર થઇ છે. ચોમાસાને ૩ મહીના પૂર્ણ થવા છતાં બંને જિલ્લામાં ખૂબજ અપૂરતો વરસાદ થયો છે. હવે ભાદરવા મહીના પર મીટ મંડાઇ છે. પરંતુ હવે વરસાદ થશે તો પણ પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ બંને જિલ્લામાં પ્રર્વતી રહી છે. કારણ કે, મેઘમહેર ન થતાં મોટાભાગના ખેતરોમાં જમીન ફાટી ગઇ છે. આટલું જ નહીં મોટાભાગનો પાક સૂકાઇ ગયો છે. જામનગર બાજરા સંશોધન કેન્દ્વના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ કાંતિભાઇ બારૈયાએ જણાવ્યું હતું કે, બંને જિલ્લામાં ખૂબજ ઓછો વરસાદ થતાં કૃષિને ભારે ફટકો પડયો છે. મગફળીના પાકમાં તો વિકાસના તબકકા અને ફુલ આવવાનો સમય પૂર્ણ થઇ ગયો છે. આથી હવે વરસાદ થશે તો પણ પાક નિષ્ફળ જશે. આટલું જ નહીં એકાદ વખત પાકને પિયત આપ્યું હોય તો મગફળીના છોડ લીલા થાય પરંતુ જોઇએ તેવો પાક અને ઉત્પાદન થશે નહી.
હાલારના બંને જિલ્લામાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદથી દુષ્કાળના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ૭૦ ટકાથી વધુ પાક નિષ્ફળ જવાની શકયતા પણ નકારી શકાતી નથી. હાલમાં ખેડૂતો ખૂબજ કપરી અને કટોકટી જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ફકત કાલાવડ તાલુકાના અડધા ભાગમાં કે જયાં નોંધપાત્ર વરસાદ થયો હોય ત્યાં પાકની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ જોડીયા તાલુકાના ભીમકટા ગામે ફકત ૫ ટકા જેટલી જમીનમાં કપાસ અને અજમાનું વાવેતર થયું છે. વરસાદ અને પિયતના અભાવે ૯૫ ટકા જેટલી જમીનમાં ખેડૂતો વાવેતર કરી શકયા ન હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં બંને જિલ્લામાં વરસાદના અભાવે પાક નિષ્ફળતાના આરે હોય ખેડૂતોને બીયારણ, ખાતર સહીતના ખર્ચ પર પાણીઢોળની સ્થિતિ સર્જાઇ છે. આટલું જ નહીં ખેતમજૂરોની રોજગારી પર ખતરો ઉભો થયો છે. ત્યારે હવે વરસાદ થશે તો પણ ચોમાસુ પાક જોઇએ તેવો થવાની શકયતા ખૂબજ ધૂંધળી હોય ઉત્પાદન અને ગુણવતા પર ખૂબજ માઠી અસર થશે તેમાં બેમત નથી.