જામનગરની જી.જી. હોસ્પિટલમાં સમરાંગણ: નનામી લેટર બોમ્બ
ભૂતકાળમાં અનેક બાબતોને લઇને અખબારોમાં ચમકેલી જામનગરની જી.જી. હોસ્પિટલ-મેડીકલ કોલેજમાં ઘેરો વિવાદ ચાલી રહ્યો હોવાનાં સંકેતો મળ્યા છે, હાલ એકબીજા પર નનામી પત્રો દ્વારા એટેક અને કાઉન્ટર એટેક કરવામાં આવ્યા છે. જો કે આ અતિ ગંભીર બાબત છે અને સ્વાભાવિક રીતે રાજયસરકાર દ્વારા આગામી દિવસોમાં નવાજૂની થઇ શકે છે કારણકે જે નનામી પત્રો આપવામાં આવ્યા છે તે હોસ્પિટલ અને મેડીકલ કોલેજનાં ઉચ્ચ સતાધીશો સામે હોવાથી વિવાદ વધુને વધુ ઘેરો બને એવું લાગે છે.
આજે સવારે મીડીયામાં એવા અહેવાલનો ઘટસ્ફોટ થયો હતો કે જી.જી. હોસ્પિટલનાં પેથોલોજી વિભાગના વડા અને હોસ્પિટલનાં ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેટ ડો. વિજય પોપટ માનસિક ત્રાસ આપે છે તથા ખાનગી લેબના કામ કરવા દબાણ કરે છે, રેસીડેન્ટ તબીબો તરફથી નેશનલ મેડીકલ કમીશનને આ ફરિયાદ આપવામાં આવી છે જો કે તેમાં કોઇ ફરિયાદીના નામ આપવામાં આવ્યા નથી, ડો. વિજય પોપટ સામે શું ફરિયાદ થઇ છે તે આ અહેવાલની સાથે આપવામાં આવેલ છે.
આજે સવારે ડો. વિજય પોપટ સામેની ફરિયાદનો ઘટસ્ફોટ થયો અને હજુ આ અહેવાલની શ્યાહી સુકાઇ નહોતી ત્યાં સવારે જ અખબારી કાર્યાલયે મેડીકલ કોલેજનાં ડીન ડો. નંદીની દેસાઇ અને અધિક ડીન ડો. એસ.એસ. ચેટરજી સામે પણ નેશનલ મેડીકલ કમિશનમાં ફરીયાદ થઇ હોવાનો પત્ર મળ્યો છે, આ પત્રમાં પણ ગંભીર પ્રકારના આક્ષેપો છે જેની ટુંકી વિગતો આ અહેવાલમાં સાથે આપવામાં આવી છે.
ડો. વિજય પોપટ સામે થયેલ ગંભીર આક્ષેપો વાળો પત્ર પણ અખબારી કાર્યાલયે પહોંચ્યો છે જેમાં ફરિયાદ કરનારનું નામ આપવામાં આવેલ નથી માત્ર રેસીડેન્ટ તબીબ તરીકેની ઓળખ આપવામાં આવી છે. આજ રીતે ડીન ડો. નંદીની દેસાઇ અને અધિક ડીન ડો. એસ.એસ.ચેટરજી સામે જે લેટર આપવામાં આવ્યો છે તેમાં પણ કોઇનું નામ અપાયું નથી અને રેસીડેન્ટ તબીબનાં નામે નાળિયેર ફોડવામાં આવ્યું છે.
આ બન્ને પત્રો નનામી છે પરંતુ ગંભીર બાબત એ છે કે આજે સવારના અખબારમાં ડો. વિજય પોપટ વિદ્ધ નનામી પત્રનો અહેવાલ સામે આવ્યા બાદ કલાકોની અંદર જ આજે જ મેડીકલ કોલેજના ડીન અને અધિક ડીન સામે નનામી પત્ર આપવામાં આવ્યો છે. એવું સ્પષ્ટ થાય છે કે જી.જી. હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી અને મેડીકલ કોલેજના ડીનની કચેરી વચ્ચે ઘેરો વિવાદ છે, મતભેદ છે, અને આ ઘણા સમયથી ચાલ્યું આવતુ હોવાનું સમજી શકાય છે અને આખરે નનામી પત્રો દ્વારા એકબીજા પર એટેક કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
બન્ને નનામી પત્રોની નકલ રાજયનાં આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યા બાદ ગુજરાત સરકાર અને આરોગ્ય મંત્રાલય શું એકશન લેશે તેના પર સ્વાભાવિક રીતે બધાની નજર રહેશે કારણકે નનામી પત્રોમાં થયેલા આક્ષેપો ખુબ જ ગંભીર પ્રકારના છે અને તપાસ થવાની શકયતા નકારી શકાતી નથી.
જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રની અત્યંત મહત્વની અને ગરીબો માટે એક પ્રકારે સંજીવની સમાન છે, આ હોસ્પિટલમાં જે જવાબદારો છે તેમની વચ્ચે સામસામે તલવારો ખેંચાયેલી રહેશે તો સ્વાભાવિક રીતે તેમની વિપરિત અસર દર્દીઓ પર પડશે અને આ બાબત આરોગ્ય મંત્રાલય માટે પણ વિચાર માંગી લેતી છે.
હોસ્પિટલના વતુળોમાં જે ચર્ચાઓ ચાલી રહી છે અને હોસ્પિટલના કેટલાક સંનિષ્ઠ સુત્રો તરફથી એવા પણ સંકેત મળ્યા છે કે જયારથી ઇન્ચાર્જ સુપ્રિડેન્ટ તરીકે વિજય પોપટની નિમણુંક થઇ છે ત્યારથી કોઇપણ કારણે વિવાદ ઘેરા બની રહ્યા છે અને હોસ્પિટલને ઇનડાયરેકટ રીતે અખાડા સમાન બનાવી દેવામાં આવેલ છે.
અત્રે એ બાબત પણ ખૂબ જ નોંધપાત્ર છે અને ઘ્યાને લેવા જેવી છે કે, હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેડેન્ટ ડો. વિજય પોપટ સામે નેશનલ મેડીકલ કમિશનમાં ફરિયાદ થઇ હોવાના અહેવાલો બહાર આવ્યાના જ દિવસે ડીન અને અધિક ડીન સામે નનામી પત્રો આવ્યા હોવાથી એવી પણ શંકા જાગે છે કે શું ડો. વિજય પોપટ સામે થયેલી ફરિયાદને દબાવી દેવા અને નવો વિવાદ જગાવવાના ઇરાદા સાથે તો ડીન અને અધિક ડીન સામે નનામી પત્ર લખવામાં આવેલ નથી ને ? આ બાબત પણ આરોગ્ય મંત્રાલય તપાસમાં આવરી લેશે એવું માનવામાં આવે છે.