ચાલક ગોંડલના શખસને ઝડપી લઇ દારૂની બોટલો, મોબાઈલ અને ઍમ્બ્યુલન્સ મળી 10.66 લાખનો મુદામાલ કબ્જે કરતી બાબરા પોલીસ
રાજકોટ-ભાવનગર હાઇવે પર પોલીસે રોકેલી એમ્બ્યુલન્સમાં દર્દી નહીં પરંતુ સ્ટેચર રાખવાની સીટ નીચે ચોરખાનું બનાવી છુપાવેલો 1968 બોટલ દારૂ મળી આવતા પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવરની ધરપકડ કરી દારૂનો જથ્થો, મોબાઈલ અને એમ્બ્યુલન્સ મળી કુલ રૂ.10,66,688નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.
બાબરા પોલીસ મથકના પીઆઈ આર.આર.પરમાર સહિતનો સ્ટાફ અમાસના મેદાન બંદોબસ્તમાં હતો ત્યારે એએસઆઈ કિરણભાઈ સોલંકી અને હેડ કોન્સ.રાજેન્દ્રસિંહ વાઘેલાને સયુંકત બાતમી મળી હતી કે, રાજકોટ-ભાવનગર હાઇવે પરથી પસાર થઇ રહેલી જીજે-05-એવી-5525 નંબરની એમ્બ્યુલન્સમાં દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે રાજકોટ ભાવનગર હાઇવે રોડ આંબલીધાર બાદ આવેલ ઇન્ડીયન ઓઇલના પેટ્રોલપંપ આગળ ઉંટવડ નજીક વોચ ગોઠવી પસાર થતી એમ્બ્યુલન્સને રોકી પાછળ દરવાજો ખોલતા કોઈ દર્દી જોવા મળ્યું નહતું પરંતુ પોલીસે ચોક્કસ બાતમી હોવાથી સ્ટેચર રાખવાની સીટ નીચે તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી એક પછી એક એમ 1968 દારૂના ચપલા કી.રૂ.3,59,688ના મળી આવતા પોલીસે એમ્બ્યુલન્સ ચાલક સાગર ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ(રહે.ગોંડલ, મોટી બજાર સંગાણી શેરી, તા.ગોંડલ જી.રાજકોટ હાલ રહે.ગોંડલ, વોરા કોટડારોડ, જેલની સામે, આવાસ ક્વાર્ટર નં.૩૧૪)ની અટકાયત કરી દારૂ, મોબાઈલ અને એમ્બ્યુલન્સ સહીત રૂ.10,66,688નો મુદામાલ કબ્જે કરી દારૂ ક્યાંથી ભર્યો હતો અને કોને આપવાનો હતો સહિતની તપાસ હાથ ધરી છે.