BREAKING NEWS

જામનગરમાં આજથી શ્રાવણી લોકમેળાની રંગત જામશે

  • September 03, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આજથી શ્રાવણી લોકમેળાની રંગત જામશે 

તહેવારની ઉજવણી: આખરે મોટી રાઇડસને પરફોર્મન્સ લાયસન્સ મળ્યા, પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાની મોજ માણવા જનમેદની ઉમટી પડતા હૈયે હૈયું દળાશે

આજે મનપા દ્વારા શ્રાવણી મેળાનું વિવિધત ઉદઘાટન કરાયું: મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, કમિશ્ર્નર, શહેર ભાજપ પ્રમુખ, નગરસેવકો અને અધિકારીઓએ રાઇડસની મોજ માણી 
 
જામનગરમાં આજથી શ્રાવણી લોકમેળાની રંગત જામશે. કારણ કે, મોટી રાઇડસને  પરફોર્મન્સ લાયસન્સ મળ્યા છે તો આજે મહાનગરપાલીકા દ્વારા વિધિવત ઉદઘાટન કરી શ્રાવણી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મેળાના ઉદઘાટન બાદ મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, કમિશ્ર્નર, શહેર ભાજપ પ્રમુખ, નગરસેવકો અને અધિકારીઓએ રાઇડસની મોજ માણી હતી. જો કે, મેળા અંગેના કાનૂની જંગમાં આજે દાવાના આખરી હુકમ પર સૌની મીટ મંડાઇ છે. બીજી બાજુ લોકો મંદી અને મોંઘવારી ભૂલી તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત બન્યા હોય પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાની મોજ માણવા જનમેદની ઉમટી પડતા હૈયે હૈયું દળાશે તેમાં બેમત નથી.

જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા તા.૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ લોકમેળો શરૂઆતથી જ ચર્ચાના ચકડોળે ચડયો છે. કારણ કે મેળાના પ્લોટના ટેન્ડરનું કોકડું ગુંચવાયા બાદ જાહેર હરાજીના પ્રથમ પ્રયત્ન બાદ ચાર પ્લોટ ખાલી રહ્યા હતાં. આટલું જ નહીં આ ચાર પ્લોટની બીજી વખત મનપા દ્વારા કરાયેલી જાહેર હરાજીનો ફીયાસ્કો થયો હતો. બીજી બાજુ ૨ સપ્ટેમ્બર એટલે કે મનપા દ્વારા મેળાની મોટા ઉપાડે જાહેરાતના બીજા દીવસની સાંજ સુધીમાં ૧૩ મોટી રાઇડસને પરફોર્મન્સ લાયસન્સ ન મળ્યા હોય ચાલુ થઇ ન હતી. જો કે ગઇકાલે મોડી સાંજે મોટી રાઇડસને પરફોર્મન્સ લાયસન્સ મળ્યા હતાં. જયારે મહાનગરપાલીકા દ્વારા આજરોજ સવારે પ્રદર્શત ગ્રાઉન્ડમાં સવારે મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે લોકમેળાનું ઉદઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, મહાપાલિકાના કમિશ્ર્નર દીપેશ કેડિયા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન  હર્ષાબા પી. જાડેજા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કક્કનાણી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની અને મુકેશ વરણવા, એસ્ટેટ શાખા ના અધિકારી મુકેશ ગોસાઈ તેમજ અન્ય અધિકારી અને પદાધિકારીઓ, નગરસેવકો સહિત ભાજપના અન્ય આગેવાનોે ઉપસ્થિત રહ્યા હતા.

આજે શ્રાવણ માસના સાતમના તહેવાર થી લઈને અમાસ સુધીના તહેવાર દરમિયાન પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન ચાલુ રહેશે, અને નગરજનો નાની-મોટી મશીન મનોરંજન ની રાઈડ તેમજ ખાણી પીણી અને રમકડા ના સ્ટોલ ની મુલાકાત લઈ મનોરંજન માણી શકશે. જો કે શ્રાવણી મેળા સામે કરવામાં આવેલા દાવામાં આજે વધુ સુનાવણી હોય અદાલતના હુકમ પર સૌની મીટ મંડાઇ છે.  આજથી સાતમ-આઠમના તહેવારનો પ્રારંભ થયો છે. લોકો મંદી અને મોંઘવારીન ભૂલીને તહેવારોની ઉજવણી અને રજાની મોજ માણવા આતુર બન્યા છે.

આથી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાની ખરી રંગત આજથી જામશે. શ્રાવણી મેળાની મોજ માણવા શહેરની સાથે આજુબાજુના વિસ્તારોમાંથી લોકો ઉમટી પડતા હૈયૈ હૈયું દળાશે. ખાસ કરીને રાત્રીના લાઇટ સાથેની રાઇડસ સાથે શ્રાવણીમેળાનો નયનરમ્ય નઝારો નિહાળવો ખરેખર એક લ્હાવો છે. શ્રાવણી મેળામાં ૧૩ મોટી રાઇડસની સાથે નાની રાઇડસ આકર્ષણનું કેન્દ્વ રહેશે. શ્રાવણી લોકમેળાને અનુલક્ષીને મહાનગરપાલીકા અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની સાથે અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application