BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: ગોમતી ઘાટ પર યાત્રિકોની સુરક્ષાને લઇને નગરપાલિકા દ્વારા સરાહનીય કામગીરી

  • July 21, 2026 11:51 AM 

દેવભૂમિ દ્વારકા: ગોમતી ઘાટ પર યાત્રિકોની સુરક્ષાને લઇને નગરપાલિકા દ્વારા સરાહનીય કામગીરી

૭૭ લાખના ખર્ચે ઘાટના સમગ્ર વિસ્તારને સ્ટેનલેસ સ્ટીલ સેફટી રેલિંગ લગાવાઇ

ભારતના પશ્ચિમ કિનારે આવેલું વિશ્વવિખ્યાત તીર્થધામ દ્વારકા દરરોજ હજારો શ્રદ્ધાળુઓના આગમનથી ધમધમતું રહે છે. ભગવાન દ્વારકાધીશના દર્શન પહેલાં પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાની પરંપરાનું પાલન કરવા મોટી સંખ્યામાં યાત્રિકો ગોમતી ઘાટ પર પહોંચે છે. ગોમતી નદી અરબી સમુદ્ર સાથે સીધી જોડાયેલી હોવાથી ભરતી-ઓટ, દરિયાઈ પ્રવાહ અને મોજાંની અસર નદીમાં પણ જોવા મળે છે.   

બહારગામથી આવતા અનેક યાત્રિકો આ પરિસ્થિતિથી અજાણ હોવાના કારણે અગાઉ અનેક વખત અકસ્માતો તેમજ ડૂબી જવાના બનાવો બન્યા છે.યાત્રિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા દ્વારકા નગરપાલિકાએ સ્વર્ણંમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ હેઠળ જૂના ગોમતી ઘાટ વિસ્તારમાં આશરે રૂ. ૭૭ લાખના ખર્ચે સ્ટેનલેસ સ્ટીલ સેફ્ટી રેલિંગ સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી છે. 

આ રેલિંગ ગોમતી ઘાટના સંવેદનશીલ વિસ્તારમાં ઉભું કરવામાં આવી રહ્યું છે, જેથી યાત્રિકો સુરક્ષિત રીતે સ્નાન કરી શકે અને અકસ્માતોની શક્યતા ઘટે.હાલ દરિયાઈ મોજાં ૧૦થી ૧૫ ફૂટ સુધી ઉછળતા હોવાથી કામગીરી સરળ નથી. દરિયાના તોફાની માહોલ વચ્ચે પાણીમાં પાઇલ ફાઉન્ડેશન તૈયાર કરી મજબૂત રીતે રેલિંગ સ્થાપિત કરવાની કામગીરી અત્યંત પડકારજનક બની છે. છતાં તકનિકી ધોરણોનું પાલન કરીને કામ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યું છે.

દ્વારકાના દરિયાકાંઠાના ખારાશભર્યા વાતાવરણને ધ્યાનમાં રાખીને રેલિંગ માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી લાંબા સમય સુધી કાટ ન લાગે અને તેની મજબૂતાઈ જળવાઈ રહે. યાત્રિકોની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે વધુ વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
​​​​​​​
દ્વારકા નગરપાલિકા દ્વારા ગોમતી નદીમાં અગાઉથી સેફ્ટી રેસ્ક્યું બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય. નવી સેફ્ટી રેલિંગ તૈયાર થયા બાદ યાત્રિકોને તેની અંદર રહીને જ પવિત્ર સ્નાન કરવા અપીલ કરવામાં આવશે. આ પહેલથી ગોમતી ઘાટ પર સુરક્ષા વધુ મજબૂત બનશે અને ડૂબી જવાના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application