BREAKING NEWS

દ્વારકા તાલુકામાં પીવાનાં પાણીની વિકટ પરિસ્થિતિ

  • October 26, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા તાલુકામાં પીવાનાં પાણીની વિકટ પરિસ્થિતિ

દુષ્કાળ જેવી સ્થિતિ અને સરકારી તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં માનવી અને પશુધન માટે પાણી-ઘાસચારાની ચિંતા

અન્ય સમસ્યાઓના ઉકેલ માટે  મુખ્યમંત્રીની સૂચનાઓનો અમલ ક્યારે થશે?: ૮થી ૧૦ દિવસે પાલિકા દ્વારા પાણી વિતરણ

ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના પાયાના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને જિલ્લા કક્ષાએ વહીવટી વ્યવસ્થાઓ સુદૃઢ બનાવવા માટે જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપવામાં આવી છે. ઓક્ટોબર માસ દરમિયાન યોજાયેલા ’રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને તેમના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવવા તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રશ્નો, પીવાનું પાણી, રસ્તા-રસ્તાઓની સ્થિતિ અને સરકારી જમીનો પરના દબાણ જેવા મુદ્દાઓના અસરકારક નિરાકરણ માટે પણ વહીવટી તંત્રને સક્રિય થવા જણાવાયું છે.

પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં દ્વારકા તાલુકામાં પ્રવર્તતી પરિસ્થિતિને જોતાં એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે મુખ્યમંત્રીની સૂચનાઓનો વાસ્તવિક અમલ ક્યારે થશે અને સ્થાનિક કક્ષાએ નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ ક્યારે આવશે?

દ્વારકામાં ૮થી ૧૦ દિવસે પાણી, ઓખાની સ્થિતિ પણ ચિંતાજનક વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. સ્થાનિક સ્તરે નળ દ્વારા પીવાનું પાણી આશરે આઠથી દસ દિવસે આપવામાં આવતું હોવાની ફરિયાદો વચ્ચે નાગરિકોને રોજિંદા વપરાશ માટે પાણીની વ્યવસ્થા કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. યાત્રાળુઓની અવરજવર ધરાવતા આ મહત્ત્વપૂર્ણ ધાર્મિક શહેરમાં પાણી પુરવઠાની વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે સમયની માંગ છે.

સમગ્ર તાલુકાનાં રહિશો એ ઘર વપરાશ માટે ફરજિયાત વેચાતું પાણી લેવું પડે છે. જમીનોનાં જળતળ પણ ઉતરોતર ખારા થતાં ગયા. તાલુકાની ચારે બાજુ સમુદ્ર અને કેમિકલ ઉધોગો ઉપરાંત બરફનાં કારખાનાનો જમીન માં ખારાં પાણી નાં નિકાલ જેવા પ્રશ્નોથી હવે તાલુકામાં મીઠું પાણી સ્વપ્ન થયું! એક માત્ર ભીમગજા તળાવ ખાલી છે.

બે તાલુકાનાં લોકો ને પાણી આપી શકે તેવો સાની ડેમ પણ ખાલી. સરકારે ડેમો પાણી થી ભરવાની જાહેરાત કરેલ પણ વાસ્તવમાં કંઈ દેખાતું નથી. ટુંકમાં દ્વારકા તાલુકા પાસે પોતાના પૂરતા અને વિશ્વસનીય કાયમી જળસ્રોતોનો અભાવ હોવાના કારણે આગામી ઉનાળા પહેલાં તથા આવનારા ચોમાસા સુધી પીવાના પાણીની વ્યવસ્થા કેવી રીતે જાળવી રાખવી તે મોટો પ્રશ્ન છે. પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અત્યારથી જ આયોજનબદ્ધ પગલાં લેવાની જરૂર છે.

દ્વારકા તાલુકાની બંને નગરપાલિકાઓને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. ચોમાસું નિષ્ફળ જતાં પાણીની ઉપલબ્ધતા અંગે ચિંતા વધી છે. માનવીઓની સાથે પશુધન માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની રહી છે. માલધારીઓ માટે ઘાસચારાની અછતનો પ્રશ્ન પણ ગંભીર છે.

ખેડૂતો, ખેતમજૂરો, કામદાર વર્ગ અને માલધારીઓની આર્થિક સ્થિતિ પર પાણીની અછત અને ઘાસચારાની સમસ્યાની સીધી અસર પડી શકે છે. પશુપાલન પર નિર્ભર પરિવારો માટે પશુધનને જીવંત રાખવું અને રોજીરોટી જાળવી રાખવી પડકારરૂપ બની શકે છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા પાણીની ઉપલબ્ધતા, વૈકલ્પિક જળસ્રોતો, જરૂરિયાતમંદ વિસ્તારોમાં પાૂણી પહોંચાડવાની વ્યવસ્થા અને ઘાસચારાની ઉપલબ્ધતા અંગે તાત્કાલિક સમીક્ષા જરૂરી બને છે.

દ્વારકા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી ઉપરાંત અન્ય પાયાની સમસ્યાઓ પણ ધ્યાન માગે છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ હાલતને કારણે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકારી/ ગૌચરની જમીનો પરનાં કથિત દબાણના પ્રશ્ને પણ નિયમસર તપાસ અને કાયદેસરની કાર્યવાહી જરૂરી છે.

આવા પ્રશ્નો માત્ર કાગળ પરની સૂચનાઓથી ઉકેલાય તેમ નથી. સંબંધિત વિભાગો વચ્ચે સંકલન, સ્થળ તપાસ, જવાબદારી નક્કી કરવી અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવી અનિવાર્ય છે. મુખ્યમંત્રી દ્વારા જિલ્લા કલેક્ટરોને નાગરિકોના પ્રશ્નોનો ઝડપી અને અસરકારક ઉકેલ લાવવા સૂચનાઓ આપવામાં આવી હોય ત્યારે હવે સ્થાનિક તંત્રની કામગીરી પર સૌની નજર છે. દ્વારકા અને ઓખા નગરપાલિકા ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત અધિકારીઓ આ સૂચનાઓને કેટલી ગંભીરતાથી લે છે તે મહત્ત્વનું બનશે.
​​​​​​​
દ્વારકા તાલુકામાં પીવાના પાણીની કટોકટી, ગ્રામ્ય વિસ્તારોમાં માનવી અને પશુધન માટે પાણીની અછત, ઘાસચારાની સમસ્યા, રસ્તાઓની સ્થિતિ અને સરકારી જમીનો પરના દબાણ જેવા મુદ્દાઓના ઉકેલ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સમીક્ષા કરવામાં આવે તેવી લોકલાગણી છે. હવે સવાલ એ છે કે નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો સાથે જોડાયેલા આ પ્રશ્નોનો ઉકેલ માત્ર સરકારી સૂચનાઓ પૂરતો જ રહેશે કે પછી સ્થળ પર નક્કર કામગીરી પણ જોવા મળશે? 

દ્વારકા તાલુકાનાં લોકોને આશ્વાસનો કરતાં સમયસર પીવાનું પાણી, પશુધન માટે જરૂરી વ્યવસ્થા અને પાયાની સુવિધાઓની વધુ જરૂર છે. જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સમીક્ષા કરીને સમયમર્યાદામાં ઉકેલ લાવવા પગલાં લેવામાં આવે તો જ સરકારની સૂચનાઓનો સાચો હેતુ સિદ્ધ થઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application