જામનગર: ધ્રોલના ડાંગરા ગામના બાળકનું ચાંદીપુરાના રિપોર્ટ પૂર્વે મૃત્યુ
ગંભીર હાલતમાં ખસેડાયેલા ૬ વર્ષના ભૂલકાએ રાજકોટમાં દમ તોડયો
હાલારમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસમાં મૃત્યુઆંક ૬ પર પહોંચ્યો
ધ્રોલ તાલુકાના ડાંગરા ગામના બાળકનું ચાંદીપુરાના રિપોર્ટ પૂર્વે મૃત્યુ નિપજયું છે. ગંભીર હાલતમાં ખસેડાયેલા ૬ વર્ષના ભૂલકાએ રાજકોટની સીવીલ હોસ્ટિપલમાં સારવાર દરમ્યાન દમ તોડયો હતો. આ બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. હાલારમાં શંકાસ્પદ ચાંદીપુુરાના કેસમાં મૃત્યુઆંક ૬ પર પહોંચ્યો છે.
ધ્રોલ તાલુકાના ડાંગરા ગામના વાડી વિસ્તારમાં રહેતા ૬ વર્ષના બાળકને ભારે તાવ, ઝાડા-ઉલ્ટીના કારણે શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા પ્રથમ પડધરી સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ આવે તે પૂર્વે તેનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. આથી હાલારમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસમાં મૃત્યુઆંક ૬ પર પહોંચ્યો છે. અત્રે નોંધનીય છે કે, હાલારમાં શઆતમાં જામનગર શહેર-જિલ્લાના ૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩ બાળક મળી ચાંદીપુરાના ૬ શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. આ તમામ બાળકોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દરમ્યાન જામનગરની ૨ વર્ષની બાળકી, લાંબા ગામના ૨ વર્ષના બાળક, કલ્યાણપુરના ૯ મહીનાના બાળક અને દેવભૂમિ દ્વારકામાં રહેતી ૬ વર્ષની બાળકીનું મૃત્યુ નિપજયું હતું. જો કે, મૃત્યુ પામેલા તમામ ચાર અને જામનગર તથા વસઇ આમરાના સારવારમાં રહેલા બંને બાળક મળી તમામ ૬ શંકસ્પદ કેસમાં ચાંદીપુરાના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. ત્યારબાદ ધ્રોલ તાલુકાના રોજીયા ગામના એક વર્ષના બાળકને ભારે તાવ, આંચકી જેવા ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ગણતરીની કલાકોમાં આ બાળકે દમ તોડી દીધો હતો. આ બાળકનો ચાંદીપુરાનોે રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારપછી પોરબંદરના બે વર્ષના બાળકને ભારે તાવ, આંચકીના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાતા વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. સારવાર બાદ આ બાળકની તબિયત સુધારો થયો હતો. આ બાળકનો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો. જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જામનગરનું એક બાળક સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. હાલમાં જામનગર અને પોરબંદરના બંને બાળકની તબિયત સુધારા પર છે. જયારે કાલાવડના બાળકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.