BREAKING NEWS

ખંભાળીયામાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ

  • July 28, 2026 08:33 AM 

ખંભાળીયામાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ

હિન્દુ સમાજ અને સાધુ-સંતો દ્વારા વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામ ખંભાળિયા ખાતે સમગ્ર સર્વે સનાતની હિન્દુ સમાજ અને સાધુ-સંતો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા તથા ગૌ સંવર્ધન અને ગૌ સંસ્કૃતિના જતન માટે એક વિશાળ અને ભવ્ય આવેદનપત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જામ ખંભાળિયામાં એકત્રિત થયેલા સનાતની હિન્દુ સમાજના લોકો અને ગૌભક્તો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં એડિશનલ કલેક્ટર દેસાઈને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મારફતે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી સુધી ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની સનાતન સમાજની આ પ્રબળ માંગ પહોંચાડવામાં આવી હતી.

આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં સંતો-મહંતોની સાથે રાજકીય, સામાજિક અને વિહિપના વિવિધ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા. જેમાં ફુલેલીયા હનુમાનજી મહારાજના મહંત શ્રી ભાસ્કરાનંદ બાપુ, સંત શ્રી લક્ષ્મણદાસ બાપુ તથા મહંત સુરેશભાઈ નિમાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્માચાર્ય પ્રમુખ પ્રવિણસિંહ કંચવા, કાર્યક્રમ ઇન્ચાર્જ ઇન્દ્રજીતસિંહ પરમાર, જામ ખંભાળિયા અને સલાયા વિહિપના જેઠાભાઈ ભોચીયા, પરેશભાઈ કુંડલીયા તથા કલાપીભાઈ પંડયા પણ જોડાણ સાધી રેલીને બળ પૂરું પાડ્યું હતું.

સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ભાજપના હોદ્દેદારો પણ આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણજારીયા, કારોબારી ચેરમેન રાજભાઈ પાબારી, તાલુકા ભાજપ પ્રમુખ નારાયણભાઈ ચાવડા, સલાયા શહેર ભાજપ પ્રમુખ ચિરાગભાઈ તન્ના, નગરપાલિકા દંડક ઋષિભાઈ ખેતીયા, નગરપાલિકા સદસ્ય મનીષભાઈ નકુમ અને શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ નકુમ મુખ્યત્વે સામેલ હતા.

જિલ્લાના ખૂણે-ખૂણેથી આવેલા ગૌભક્તોનો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સહયોગ જોવા મળ્યો હતો. જેમાં જામ ખંભાળિયાના દેશુરભાઈ ધમા, નરશીભાઈ ભાયાણી, પરેશભાઈ સામાણી, નવુભા જાડેજા, ભાટીયાના ગૌભક્ત વેજાણંદભાઈ ચાવડા, કરણભાઈ ચાવડા, રમેશભાઈ નંદાણાના સામતભાઈ આંબલીયા, કરસનભાઈ ચાવડા, ઓખાના ગૌભક્ત વિશાલભાઈ પીઠીયા તેમજ મીઠાપુરના મુકેશભાઈ વાઘેલા અને શેખરભાઈ જટણીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દ્વારકાથી મહિલા આગેવાનો સીમાબેન ઉપાધ્યાય અને લક્ષ્મીબેન સુમણીયા સહિત અન્ય મહિલા ગૌભક્તો પણ જોડાયા હતા.

આ આવેદનપત્ર રેલીમાં મહાવીરસિંહ જાડેજા, રાજવીરસિંહ જાડેજા, પાર્થરાજસિંહ જાડેજા, સેવાભાવી મહેન્દ્રસિંહ જાડેજા તથા પરેશભાઈ મેહતા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગૌપ્રેમી નાગરિકોએ હાજરી આપી ગૌમાતાના સંવર્ધન અને રાષ્ટ્રીય માતા તરીકેની ઘોષણા માટે એકસૂરે અવાજ ઉઠાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application