દેવભૂમિ દ્વારકા: સંસ્કૃત સપ્તાહ મહોત્સવ: 'વિકાસ ભી, વિરાસત ભી'ના સંકલ્પ સાથે ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ
'વિકાસ ભી, વિરાસત ભી'ના સંકલ્પ સાથે જામખંભાળિયા ખાતે રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ
સંસ્કૃત ભાષાએ આપણી પ્રાચીન ભાષા જ નહીં, સંસ્કૃતિનો સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરતી ભાષા છે - રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા
વૈદિક મંત્રોચાર, શ્લોકના ઉચ્ચારણ સાથે જામખંભાળિયા શહેરમાં સંસ્કૃત ભાષા પ્રેમી, સંસ્કૃત વિદ્યાર્થીઓ જોડાયા
રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. જામખંભાળિયાની જી.વી.જે. હાઈસ્કૂલ ખાતેથી રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા સહિતના મહાનુભાવો દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ રેલી નગર ગેટ - શારદા સિનેમા રોડ - જોધપુર ગેટ - નગર ગેટ થઈ જી.વી.જે. હાઈસ્કૂલ સુધી સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચાર સાથે યોજાઈ હતી.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા કહ્યું કે,સંસ્કૃત માત્ર પ્રાચીન ભાષા જ નહીં, પરંતુ ભારતીય જ્ઞાનપરંપરા, વેદ-ઉપનિષદ, શાસ્ત્રો, સાહિત્ય, દર્શન અને સંસ્કૃતિનું સમૃદ્ધ વારસો જાળવી રાખતી ભાષા છે. ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવામાં સંસ્કૃત ભાષાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ “સંસ્કૃત ગૌરવ યાત્રા”નો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાને જનજન સુધી પહોંચાડવાનો, તેના પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત તથા ભાવિ પેઢીને ભારતીય જ્ઞાન અને સંસ્કૃતિના મૂળ સાથે જોડવાનો રહ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંસ્કૃત પ્રત્યેના સત્સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ તેમજ ‘વિકાસ પણ, વિરાસત પણ’ના સંકલ્પ સાથે ભારતની જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધનને નવી દિશા મળી છે. ઉપરાંત, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ભારતીય ભાષાઓ અને સંસ્કૃતને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે જેનું આપણે સૌએ જતન કરવાનું છે.
આ યાત્રામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિષ્યો વગેરેના વિવિધ વેશભૂષામાં રેલીને શોભાવી હતી. રેલીમાં પ્રાચીન ગુરુકુલ કેળવણીનો ભવ્ય વારસો, ભગવાનના વિવિધ અવતારો, ભગવાન નારાયણ અને પરિવાર, મહાભારત, ભગવદ્ ગીતા થીમ આધારિત વિવિધ ટેબ્લો નગરવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. બાળકો દ્વારા બેન્ડ અને સ્પીકર સાથે સંસ્કૃત ગૌરવ યાત્રામાં શ્લોકગાન, ગૌરવ સુત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. રેલીમાં સંસ્કૃતનો પ્રચાર કરતાં વિવિધ ચિત્રો અને બેનરો સાથે બાળકોએ નગરજનોનું ધ્યાન ખેંચ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા, જિલ્લા શિક્ષણ અધિકારી એચ.આર.જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ, અગ્રણી ઇન્દ્રજીતસિંહ પરમાર સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ, નગરજનો અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી રૂપે આગામી તા.૨૭ ઓગસ્ટના રોજ સંસ્કૃત સંભાષણ દિવસ, તા.૨૯ ઓગસ્ટના રોજ સંસ્કૃત સાહિત્ય દિન તેમજ તા.૩૧ ઑગસ્ટના રોજ સામુહિક સુભાષિત પઠન દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધારવાનો છે.