દ્વારકા સહિત ત્રણ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા: રાહત પેકેજથી ખેડૂતોમાં અસંતોષ
દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના ત્રણ જિલ્લાઓને ગુજરાત સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતાં ખેડૂતોને આર્થિક રાહત મળવાની આશા જાગી છે, પરંતુ જાહેર કરાયેલા રાહત પેકેજની રકમને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોના મતે, ખેતીમાં થયેલા નુકસાનની સરખામણીએ સરકાર દ્વારા આપવામાં આવતી રૂ. ૮,૫૦૦ ની સહાય ખૂબ જ ઓછી છે. હાલની પરિસ્થિતિમાં ખેતી માટે કરવામાં આવેલા ખર્ચની સામે આ રકમ પૂરતી ન હોવાથી રાહત પેકેજમાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોની માગ ઉઠી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછત અને ખેતીના પાકને થયેલા નુકસાનને પગલે ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, વાવણીથી લઈને પાકની જાળવણી સુધી ડીઝલ, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ખેતમજૂરી પાછળ મોટો ખર્ચ કરવો પડે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રૂ. ૮,૫૦૦ ની સહાય ખેતી પાછળ થયેલા ખર્ચની સરખામણીએ નજીવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. એક ખેડૂતે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આટલી રકમની સહાયથી તો પેટ્રોલ-ડીઝલનો ખર્ચ પણ માંડ નીકળી શકે તેમ છે, ત્યારે પાક નિષ્ફળ જવાથી થયેલા મોટા નુકસાનની ભરપાઈ કેવી રીતે થશે તેવો સવાલ ઊભો થયો છે.
ખેડૂતોનું કહેવું છે કે, દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં માત્ર નામ પૂરતી સહાય આપવાને બદલે ખેડૂતોને વાસ્તવિક નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય આર્થિક મદદ આપવામાં આવે તે જરૂરી છે. ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ પાકનું પૂરતું ઉત્પાદન ન મળતાં ખેડૂતોની આવક પર ગંભીર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં જો સરકાર દ્વારા રાહત પેકેજમાં વધારો કરવામાં નહીં આવે તો ખેડૂતોની આર્થિક હાલત વધુ કફોડી બની શકે છે.
બીજી તરફ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળ સંદર્ભે સર્વે કરવામાં આવ્યો હોવાની વાત રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, જિલ્લાના ખેડૂતો આ દાવા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેમના ખેતરોમાં થયેલા નુકસાન અંગે કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો હોવાની તેમને જાણ નથી અને વાસ્તવિક પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન થયું નથી. આથી, સર્વેની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેમજ નુકસાનગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે તેવી માગણી થઈ રહી છે.
ખેડૂતોનું માનવું છે કે, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાથી જ તેમની સમસ્યાઓનો અંત આવવાનો નથી, પરંતુ નુકસાનના પ્રમાણ પ્રમાણે પૂરતી સહાય મળે ત્યારે જ તેમને આર્થિક રાહત મળી શકે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજમાં વધારો કરી ખેતીના ખર્ચ અને પાકના નુકસાનને ધ્યાનમાં રાખીને વધુ અસરકારક સહાય આપવામાં આવે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે. હવે સરકાર ખેડૂતોની રજૂઆતોને કેટલી ગંભીરતાથી લે છે અને રાહત પેકેજમાં કોઈ સુધારો કરે છે કે કેમ તેના પર જિલ્લાના ખેડૂતોની નજર મંડાયેલી છે.