ખંભાળીયાની શ્રીજી સોસાયટીમાં હડકાયા શ્ર્વાનનો કાળમુખો આતંક
ચાલીને જતા દાદા-પૌત્ર પર ઘાતક હુમલો: એક બાળક સહિત ૪ લોકોને ભર્યા બચકા: તંત્ર સામે જનતાનો ભારે રોષ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયા શહેરમાં રખડતા ઢોર અને મોતના મુખ સમાન શ્ર્વાનનો આતંક હવે નાગરિકોના જીવ પર આફત બનીને તૂટી પડ્યો છે, છતાં સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકા ઘોર નિદ્રામાં હોઈ તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગઈકાલે જ ખંભાળીયાના રહેણાંક વિસ્તાર એવી શ્રીજી સોસાયટીમાં એક હડકાયા શ્વાને આતંક મચાવીને ભારે અફરાતફરી મચાવી દીધી હતી. આ સોસાયટીના રસ્તા પરથી શાંતિથી ચાલીને પસાર થઈ રહેલા નિર્દોષ દાદા અને તેમના માસૂમ પૌત્ર પર હડકાયા શ્વાને અચાનક જ ઘાતક હુમલો કરી દીધો હતો.
શ્ર્વાન કાળ બનીને તૂટી પડતાં જ દાદા પોતાના પૌત્રને બચાવવા માટે લાચાર બન્યા હતા અને વિસ્તારમાં ચીસાચીસ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે આ કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો જોઈને આજુબાજુથી સ્થાનિક લોકો તાત્કાલિક દાદા અને પૌત્રની મદદે દોડી આવ્યા હતા અને લાકડીઓ ઉગાડીને જેમ-તેમ કરીને શ્વાનને ત્યાંથી ભગાડ્યો હતો. જો કે, આ હડકાયા શ્વાને શ્રીજી સોસાયટી અને આસપાસના વિસ્તારમાં એક જ દિવસમાં એક માસૂમ બાળક સહિત કુલ ચારથી પાંચ લોકોને પોતાના તીક્ષ્ણ દાંત વડે બચકા ભરીને લોહીલુહાણ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર લોહિયાળ ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખંભાળીયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામ ખંભાળીયા માટે રખડતા પશુઓ અને શ્વાનનો આ ત્રાસ કોઈ પ્રથમ ઘટના નથી. ભૂતકાળમાં પણ આ જ રખડતા કૂતરાઓના ટોળાએ માસૂમ અને લાચાર બાળકો પર આવા જ જીવલેણ હુમલા કરીને તેમને મોતના ઘાટ ઉતાર્યા હોવાના અનેક કરૂણ કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે. સમયસર એન્ટી-રેબીઝ વેક્સિન ન મળવાને કારણે કે બેદરકારીને લીધે ભૂતકાળમાં હડકવા ઉપડતા નાગરિકોએ તડપી તડપીને જીવ ગુમાવ્યા છે, છતાં કૂતરાઓના ખસીકરણ કે રસીકરણની વાતો માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે.
પરિસ્થિતિ માત્ર શ્વાન પૂરતી મર્યાદિત નથી, ખંભાળીયાના મુખ્ય માર્ગો, બજારો અને શેરીઓમાં યમરાજ બનીને ફરતા ખૂટિયા અને રખડતા ઢોર પણ લોકોનો કાળ બની રહ્યા છે. ભૂતકાળમાં રસ્તા વચ્ચે બાખડતા આખલાઓની ઝપટે ચડી જવાથી અનેક બાઈક ચાલકો તેમજ વૃદ્ધોએ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો છે, જ્યારે રાત્રિના અંધકારમાં હાઈવે પર બેઠેલા ઢોર સાથે વાહનો અકળાતા અનેક પરિવારોના ચિરાગ ઓલવાઈ ગયા છે. વારંવાર હાઈકોર્ટની કડક ફટકાર હોવા છતાં ખંભાળીયા પાલિકા તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી "ઢોર ડબ્બે પૂરો" ઝુંબેશ ચલાવીને સંતોષ માની લેવામાં આવે છે.
શ્રીજી સોસાયટીની ગઈકાલની આ રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા લાઈવ દ્રશ્યોએ સ્થાનિક પ્રજાના સબરનો બાંધ તોડી નાખ્યો છે. શહેરમાં રખડતા શ્વાન કરડવાના વધતા જતા બનાવોથી જનતા હવે આક્રોશ સાથે સવાલ પૂછી રહી છે કે, શું તંત્ર હજુ પણ કોઈ મોટા માનવજીવની આહુતિ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે? જો વહેલી તકે આ હડકાયા શ્વાન અને ખૂટિયાઓના ત્રાસમાંથી કાયમી મુક્તિ આપવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.