હિલ સ્ટેશન જેવું બન્યું હાલાર: જામનગર-દ્વારકામાં યલો એલર્ટ
અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન, ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ જતા રાજયભર પર વાદળોની સવારી આવી છે અને ઠેર ઠેર માવઠુ પડી રહ્યુ હોવાથી એકતરફ ખેતી ખેદાન-મેદાન થઇ ગઇ છે. ખેડુતો પાયમાલ થયા છે, તો બીજી તરફ હવામાનનાં અણધાર્યા બદલાવથી જામનગર સહિત હાલાર હિલસ્ટેશન જેવું બની ગયું છે. ઠંડા પવનમાં પણ વધારો થતાં લોકો ટાઢોડાનો અહેસાસ કરી રહ્યા છે. જામનગરમાં રાતભર મચ્છરીયો વરસાદ પડયો છે બીજી તરફ ધ્રોલમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. શુક્રવાર સુધી જામનગર-દ્વારકામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. બંદરો પર ૩ નંબરનું સીગ્નલ યથાવત છે.
આગાહી અનુસાર અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનના કારણે ચક્રાવાતની સ્થિતિ સર્જાઇ છે અને છેલ્લા બે ત્રણ દિવસથી જામનગર સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં માવઠુ પડી રહ્યું છે. ખાસ કરીને મગફળી અને કપાસના મોલને મરણતોલ ફટકો પડયો છે, ખેડુતો બરબાદીની કગારે પહોંચી ગયા છે અને રાજયસરકાર પાસેથી ઉંચા વળતરની માંગણી કરી રહ્યા છે. ઠેર ઠેર દેખાવો પણ થઇ રહ્યા છે.
દરમ્યાનમાં હવામાનનો મિજાજ બદલાયેલો આજે પણ જોવા મળ્યો છે. આકાશ પર વાદળોની જમાવટ છે, લઘુતમ તાપમાન ગબડીને રર.૪ ડીગ્રી પર પહોંચી ગયું છે. મહતમ તાપમાન ૨૮ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને પવનની ગતિ હાલમાં ૧૫ થી ૨૦ કિ.મી. પ્રતિકલાક રહી છે, ખાસ કરીને સાંજે અને વહેલી સવારે તો એટલો ઠંડો પવન ફુંકાય છે કે લોકો રીતસર શિયાળાનો અહેસાસ કરી રહ્યા છે અને આમ પણ ઋતુચક્ર મુજબ શિયાળાનો કાળ શ તો થઇ ગયો છે પરંતુ મેઘરાજા માવઠુ બનીને ખાબકી રહ્યા છે અને ખસદ થવાનુ નામ નહીં લેતા હોવાથી શિયાળુ પાક સામે પણ ખતરો સર્જાઇ રહ્યો છે.
છેલ્લા ત્રણ ચાર દિવસથી સુર્યનારાયણનાં દર્શન થયા નથી, કારતક માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. અને સવારે જામનગર સહિત હાલાર જાણે હિલસ્ટેશન હોય એવી અનુભૂતિ લોકોને થઇ રહી છે.
આગામી શુક્રવાર સુધી જામનગર, દ્વારકા, રાજકોટ સહિતનાં સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રનાં ડિપ ડિપ્રેશનનાં કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. અને અલગ અલગ જિલ્લાઓમાં એલર્ટ અપાયા છે, જામનગર દ્વારકામાં શુક્ર શનિવારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દિવાળી પછી વરસાદ પડે એવુ ભાગ્યે જ કોઇએ જોયુ હશે, હવામાનની આ અણધારી કરવટનાં કારણે આખુ ઋતુચક્ર ડિસ્ટર્બ થઇ ગયું છે. શિયાળો કયારે લાગુ થશે અને કયાં સુધી ચાલશે તેની પણ કોઇ આગાહી શકય દેખાતી નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાત ખેતી આધારીત પ્રદેશ છે, હવામાનની સીધી અસર ખેતી પર પડે છે, અને માવઠુ પડવાના કારણે ખેતી બરબાદ થઇ છે તેની વ્યાપક અસર અન્ય વ્યવસાયો પર પણ આવનારા સમયમાં જોવા મળશે.