હાલારમાં અડધાથી સવા બે ઇંચ: માવઠાનો માર, ખેડુતો પાયમાલ
સૌરાષ્ટ્રમાં કમોસમી મેઘતાંડવથી જગતના તાતને ફરીથી નુકશાન થયું છે, એક તરફ અરબી સમુદ્રમાં ડીપ્રેશન શરૂ થયું છે, જયારે આગામી ૪ દિવસ હાલાર માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, છેલ્લા ૨૪ કલાકમાં અડધાથી સવા બે ઇંચ વરસાદ પડયો છે, હાલારના બંદરો ઉપર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે અને દરીયામાં ગયેલા માછીમારોને પરત બોલાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, ડીપ્રેશને યુ-ટર્ન લેતા આગામી દિવસોમાં વાવાઝોડાનો પણ ખતરો ઉભો થયો છે, જોડીયા સવા બે, ખંભાળીયા, કાલાવડ, લાલપુરમાં બે, કાલાવડ અને ધ્રોલમાં એક-એક, જામનગર અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
જામનગરમાં ગઇ રાત્રે ભારે ઠંડો પવન ફુંકાયો હતો, જોડીયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, જોડીયામાં દિવસ દરમ્યાન ગઇકાલે સવા બે ઇંચ વરસાદ વરસતા કેટલાક ખેતરોમાં તૈયાર થયેલી મગફળી પલળી ગઇ હતી અને ખેડુતોને નુકશાન થયું છે. વિજળીના કડાકા-ભડાકા સાથે ઓચીંતુ માવઠુ થતાં ખેડુતો ચિંતામાં મુકાઇ ગયા છે, અત્યાર સુધીમાં જોડીયામાં મોસમનો કુલ વરસાદ ૧૦૭૬ મીમી થયો છે.
ખંભાળીયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે ભારે ગાજવીજ બાદ જાણે કે અષાઢ મહીનાનું ચોમાસુ હોય તેવો ભાસ થયો હતો, તા.૩૧ સુધી હાલારમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે ખંભાળીયામાં ગઇકાલે ફરીથી બે ઇંચ વરસાદ પડતાં મોસમનો કુલ વરસાદ ૬૯૫ મીમી થયો છે. કાલાવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો હતો, જોતજોતામાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો અને રાત્રી સુધીમાં ૨ ઇંચ વરસાદ પડયો હતો અને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી.
લાલપુરમાં પણ ગઇકાલે ભારે વરસાદને કારણે શહેરમાં રસ્તા ઉપર પાણી ચાલ્યા ગયા હતાં, દિવસ દરમ્યાન કાલાવડમાં બે ઇંચ વરસાદ પડતાં મોસમનો કુલ વરસાદ ૬૨૯ મીમી થયો છે. કાલાવડમાં ભારે ગાજવીજ વચ્ચે ૫૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા તંત્ર એલર્ટ બની ગયું હતું, કલ્યાણપુરમાં એક ઇંચ વરસાદ થયો હતો અને મોસમનો કુલ વરસાદ ૧૨૪૪ મીમી થયો છે જયારે ધ્રોલમાં વધુ એક ઇંચ વરસાદ પડતાં મોસમનો કુલ વરસાદ ૫૪૪ મીમી થયો છે જયારે ભાણવડ અને જામજોધપુરમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડયો છે. અત્યાર સુધીમાં ભાણવડનો કુલ વરસાદ ૮૫૫ મીમી અને જામજોધપુરનો કુલ વરસાદ ૮૫૫ મીમી થયો છે.