જામનગરના ઐતિહાસિક શિવાલયો પૈકીનું હજારેશ્ર્વર મહાદેવ મંદિર ભોળાનાથના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર
સ્વામી ચિતાનંદજીએ ૧૨ વર્ષ સુધી શિવલિંગ હાથમાં લઈને કરી હતી તપસ્યા તેમણે લીધેલ પ્રણ સ્વરૂપે હજાર શિવલિંગની કરી સ્થાપના
જામનગર છોટી કાશીમાં અનેક ઐતિહાસિક શિવાલયો આવેલા છે જે રાજાશાહી વખતથી નગરજનો સેવા પૂજા કરીને ભોળાનાથની આર્શીવાદ રૂપી કૃપા પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
નવાનગર-જામનગરમાં હજારેશ્વર મહાદેવ મંદિરનું વિશિષ્ટ સ્થાન છે, હવાઈ ચોકમાં આવેલું આ મંદિર એક અનોખી ધાર્મિક વિશેષતા ધરાવે છે, મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શિવલિંગો સ્થાપિત કરવામાં આવ્યા છે. સ્થાનિક ઐતિહાસિક-ધાર્મિક વર્ણન અનુસાર અહીં એક હજાર શિવલિંગોની સ્થાપના કરવામાં આવી હોવાથી મંદિરનું નામ હજારેશ્વર મહાદેવ પડ્યુ છે.
લોકવાયકા મુજબ સ્વામી ચિંતાનંદજીએ બાર વર્ષ સુધી શિવલિંગ હાથમાં લઈને તપસ્યા કરી હતી આ સ્થળ સ્વામી ચિતાનંદજીની તપોભૂમિ છે તેમણે લીધેલ પ્રણ સ્વરૂપે એક હજાર શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી.આ હજારેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં પ્રવેશતા જ ભોળાનાથના ભક્તોને અનેરી શાંતિની ધાર્મિકતાની અનુભુતી થાય છે.
હજારેશ્વર મંદિરની સૌથી મોટી વિશેષતા અહીં જોવા મળતાં અનેક શિવલિંગો છે. હજારેેશ્વર ખાતે અનેક શિવલિંગોની ઉપસ્થિતિ ભક્તોને અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવે છે.મંદિરના મુખ્ય સ્થાનમાં ભૂતનાથ મહાદેવની શિવલિંગની તેમની સમીપે વિશાળ સ્વામી ચિંતાનંદજીના મૂર્તિ બિરાજમાન છે તથા મંદિર પરિસરમાં બટુક ભૈરવ, અન્નપુર્ણા માતાજી,અંબે માતાજી, હનુમાનજી મહારાજ બિરાજમાન છે.અન્નપૂર્ણાના વ્રત સમયે જ તેમ જ ધાર્મિક તહેવારોમાં બહોળી સંખ્યામાં મહિલાઓ પરિવારજનો સાથે ભક્તિભાવ સાથે દર્શાનાર્થ આવે છે.
ભગવાન શિવ ભોળા છેભક્તિથી પ્રસન્ન થનાર. તેમને ભવ્ય વૈભવ કરતાં શ્રદ્ધા અને નિષ્ઠા વધુ પ્રિય છે. બિલ્વપત્ર, જળ અને સચ્ચી ભાવનાથી કરેલી પૂજા પણ તેમને પ્રસન્ન કરે છે એવી ભક્તોની માન્યતા છે. તેથી જ તેઓ સામાન્ય માનવીથી લઈને ઋષિ-મુનિ અને દેવતાઓ સુધી સૌના આરાધ્ય છે.
જામનગરમાં ભીડભંજન મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ,જાગનાથ મહાદેવ, વૈજનાથ મહાદેવ હજારેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, ગૌરીશંકર મહાદેવ, જડેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ,બદ્રીકેદારનાથ મહાદેવ,રણજિતેશ્વર મહાદેવ, અખંડેશ્વર મહાદેવ, બેડેશ્વર મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવ, પ્રતાપેશ્વર મહાદેવ સહિતના અનેક શિવાલયો આવેલા છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી જેવા પર્વોમાં આ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. આ સમૃદ્ધ શિવપરંપરાને કારણે જામનગરની ધાર્મિક ઓળખ છોટી કાશી તરીકે વધુ મજબૂત બની છે.
શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ સમય દરમિયાન જામનગરના શિવાલયોમાં પૂજા, અભિષેક અને દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે હજારેેશ્વર સહિત શહેરના વિવિધ શિવમંદિરોમાં ભક્તિપૂર્ણ વાતાવરણ જોવા મળે છે.
હજારેશ્વર મહાદેવ મંદિર જામનગરની શિવભક્તિની વિશિષ્ટ પરંપરાનું પ્રતીક છે. એક જ સ્થળે અનેક શિવલિંગોની સ્થાપના તેની આગવી ઓળખ છે. સ્વામી ચિતાનંદજીની સાધનાની સ્થાનિક પરંપરા અને જામનગરના રાજવી યુગની ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલું આ મંદિર આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સ્થાન છે.હજારેશ્વર મહાદેવ મંદિર જામનગરની શિવભક્તિ, સાધના અને સાંસ્કૃતિક વારસાનું એક અનોખું પ્રતીક.