આવતીકાલ શુક્રવારે ભાઇ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન છે ત્યારે સમગ્ર હાલારવાસીઓ રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરશે, સાથોસાથ બંન્ને જિલ્લાના બ્રાહ્મણો જનોઇ પણ શુભ મુહુર્તમાં બદલાવશે.
રક્ષાબંધન તહેવાર ભાઇ બહેનના સ્નેહનું પ્રતિક છે. આ પવિત્ર દિવસે બહેન પોતાના ભાઇના કાંડા પર રક્ષાસુત્ર એટલે કે રાખડી બાંધે છે અને ભાઇની દીર્ઘાયુની કામના કરે છે. સાથોસાથ બ્રાહ્મણો દ્વારા આ પવિત્ર દિવસે જનોઇ પણ બદલાવવામાં આવે છે.
વર્ષો પહેલા રંગમતી નાગમતીના કિનારે આવેલા શિવમંદિરો સિદ્ધનાથ મહાદેવ, સુખનાથ મહાદેવ, નાગનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારે નદીમાં સ્નાન વિધી કરી શિવાલયોમાં જનોઇ બદલાવવામાં આવતી હતી. કાળક્રમે હવે શિવાલયોની સાથોસાથ પોતાની મેળે ઘરે જનોઇ બદલાવી લે છે. ધ્રોલના ખારવા પ્રાથમિક શાળાનાં નિવૃત આચાર્ય ચંપકલાલ દવેના જણાવ્યા અનુસાર આવતીકાલે રક્ષાબંધનના પર્વ નિમિતે ભદ્રાના સમય અને રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહુર્ત અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જયોતિષ શાસત્ર અનુસાર જયારે ચંદ્ર મકર રાશીમાં હોય ત્યારે ભદ્રાનો વાસ પાતાલલોકમાં રહે છે જેથી તેનો દોષ પૃથ્વી પર લાગતો નથી અને તે ધન-સુખ આપનારી બને છે. આજે ભદ્રા પુણ્યવતી ગણાતી હોવાથી આવતીકાલે સમગ્ર દિવસ દરમ્યાન નિર્વિઘ્ને રક્ષાબંધનની ઉજવણી થઇ શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પંચાંગ અને નક્ષત્ર નાડી ગણતરી મુજબ આવતીકાલે સવારે ૯:૧૨ થી ૧૧ વાગ્યા અને સાંજે પ:૧૨ થી ૬ વાગ્યા સુધી રાખડી બાંધવા માટેનું ઉતમ મુહુર્ત રહેશે. તદઉપરાંત તા.૨૮ના રોજ પુર્ણિમા સવારે ૯:૪૯ વાગ્યે પુર્ણ થતી હોવાથી સવારે ૬ થી ૮.૨૪ અને સવારે ૯.૩૬થી ૯.૪૯ સુધી પણ રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહુર્ત રહેશે. રક્ષાબંધનના પવિત્ર દિવસ અને બળેવ નિમિતે જામનગરના બ્રહ્મસમાજની જુદી જુદી જ્ઞાતિઓ દ્વારા નાતજમણનું પણ આયોજન કરવામાં આવે છે.